અલ્પેશ કારેણા: હવામાન શાસ્ત્રીઓમાં લોકો જેના ઉપર સૌથી વધુ વિશ્વાસ મુકે છે તે અંબાલાલ પટેલનું નામ હવે કોઈથી છાનું નથી, આપણે પહેલા ભાગમાં એ જોયું કે અંબાલાલ પટેલે ક્યારથી અને કેવી રીતે આગાહી કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે હવે બીજા ભાગમાં આપણે તે કંઈ રીતે હવામાનને લગતી આગાહી કરે છે ? એવી તે કંઈ વિધ્યા તેઓ પાસે છે જેનાથી તે સચોટ આગાહી કરી શકે છે ? આવા અનેક સવાલોના જવાબો મેળવીશું. લોક પત્રિકા દૈનિકની ટીમ જ્યારે અંબાલાલ પાસે પહોંચી ત્યારે અંબાલાલ પટેલ સાથે થયેલી વાતચીત તમારી સમક્ષ મુકીએ છીએ.
શું જોઈને અંબાલાલ પટેલ આગાહી કરે?
હાલમાં લોકોને અંબાલાલ પટેલની આગાહી પર પુરો ભસોરો છે અને અંબાલાલની આગાહીઓ સાચી પણ પડે છે. ત્યારે સામાન્ય રીતે એવો સવાલ થાય કે અંબાલાલ કયા કયા ફેક્ટરો જોઈને આગાહી કરતા હશે, શું એમની પાસે કોઈ એવા સાધન છે કે જેમાં બતાવતું હશે ક્યારે કેટલો વરસાદ પડે. તો જ્યારે અમે આ વિશે અંબાલાલ પટેલને પૂછ્યું ત્યારે જણાવ્યું કે હું પંચાગ, ગ્રહો, નક્ષત્રો જોઈને આગાહી કરું છું. ક્યારેક ક્યારેક છાસવારે સેટેલાઈટમાં વિહંગાવકોન પણ જોઈ લઉ છું. પરંતુ મેઈન વસ્તુ છે પાંચાંગ, ગ્રહો અને નક્ષત્રો.
અંબાલાલ જણાવે છે કે શિયાળામાં જ ખબર પડી જાય કે વરસાદ કેવો પડશે. કારણ કે શિયાળામાં વરસાદનો ગર્ભ બંધાઈ જતો હોય છે. જ્યારથી ગર્ભ બંધાઈ ત્યાર પછી 195 દિવસે એટલે કે સાડા 6 મહિના બાદ વરસાદ થતો હોય છે. શિયાળામાં હવામાન કેવું રહે છે એના પરથી ચોમાસાના વરસાદનો અંદાજો લગાવી શકાય છે. એ જ રીતે ઉનાળામાં કેવી ગરમી પડે એનું પણ અવલોકન કરવામાં આવે છે. ઉનાળાના પવનો, હોળીમાં કેવો પવન રહે છે, વસંત સંપાદમાં કેવું વાતાવરણ રહે છે, ત્યારબાદ અલગ અલગ પવનચક્રો પણ જોવા પડે જેના પરથી મેઘરાજા કેવા ખાબકશે એ નક્કી થતું હોય છે.
આગળ વાત કરતાં અંબાલાલ જણાવે છે કે અખાત્રીજનો પવન, ચૈત્ર મહિનામાં કેવી ગરમી રહે એ પણ જોવું પડે. ઘણીવાર ચૈત્ર મહિનામાં વરસાદના ગર્ભનો વિલય થઈ જતો હોય છે એટલે કે ગર્ભ તુટી જતો હોય છે. જો એ ગર્ભ વિલય પામે તો પણ વરસાદને અસર કરે. એ જ રીતે જેઠ મહિનામાં ભડ પણ ના ગાજવું જોઈએ નહીંતર વરસાદ ઓછો થાય. જેઠ મહિનામાં શરૂઆતમાં પણ વરસાદ ન થવો જોઈએ. ત્યારબાદ અષાઠી મહિનાનો પવન, પૂનમનો હાંડો અને અને આઠમનો બાંડો એ પણ ધ્યાનમાં રાખવામાં આવે છે.
અંબાલાલ જણાવે છે કે ગ્રહોમાં પણ ધ્યાન રાખવામાં આવે છે. ગ્રહોને લઈ આગાહી કરતી વખતે 3 નળી જોવામાં આવે છે. જળદાયક નળી, પવનવાહક નળી અને દહન નળી. આ સાથે જ સપ્તનળી ચક્ર હોય એને પણ ધ્યાને લેવામાં આવે અને અન્ય અનુભવો પરથી વરસાદની આગાહી કરવામાં આવે છે. સુર્ય ચંદ્રના નક્ષત્રો પણ એટલા જ ઉપયોગી બનતા હોય છે. હાથીઓ પાછળથી ગાજે તો સમજવાનું વાતાવરણ સારુ રહેશે. પવનવાહક નળીમાં દરિયાકાંઠે કેવો પવન વાશે એ જોવામાં આવે અને વરસાદનું અનુમાન લગાવી શકાય છે. સાથે જ પવનવાહક ગ્રહો જોવાના તેમજ જળદાયક ગ્રહો જોવાના.
ગુજરાતીઓ મહિના વિશે જણાવતા અંબાલાલ પટેલ કહે છે કે શિયાળામાં કારતક સુદ બારસના દિવસે આકાશ રક્તવર્ણનું રહેવું જોઈએ.
માગશર સુદ બીજે ચંદ્ર પૂર્વ સાધા નક્ષત્રમાં રહેવો જોઈએ. જ્યારે ચંદ્ર એ નક્ષત્રમાં આવે ત્યારથી વરસાદની આગાહી કરી શકાય.
માગશરમાં સહેજ ગરમી પડવી જોઈએ. માગશર અને મહામાં વાદળો રહેવા જોઈએ.
પોષ મહિનામાં હિમ રહેવું જોઈએ એટલે કે ઠંડી પડવી જોઈએ.
મહા મહિનામાં વાદળો રહેવા જોઈએ.
ફાગણ મહિનામાં પવન ચાલવો જોઈએ.
વૈશાખ મહિનામાં આંધી વંટોળ થવું જોઈએ.
આ સાથે જ 10 ગર્ભ પ્રમાણ પણ જોવામાં આવે છે, જેમ કે વાદળ, વિજ, થોડોક વરસાદ પડવો જોઈએ, સુર્ય અને ચંદ્રનો પરિવેશ, હિમ પડવું, શિયાળામા મેઘધનુષ દેખાવું, જો આ 10 લક્ષણો બરાબર હોય તો વરસાદનો ગર્ભ બરાબર રહ્યો એવું કહી શકાય અને વરસાદ સારો પડશે એવું અનુમાન લગાવી શકાય. જો શિયાળામાં વધારે વરસાદ થાય તો ગર્ભ તૂટી જાય. એ જોવાના પણ ઘણા માપ હોય જેવા કે આધક અને દોણ.
પુસ્તકો વિશે વાત કરતાં અંબાલાલ જણાવે છે કે હું ઘણા પુસ્તકોનો પણ રેફરન્સ લઈને આગાહી કરું છું. જેમાં વારાહી સંહિતા, યાને બૃહત સંહિતા, ભદ્ર બાહુ સંહિતા, મેઘ મહોદય, ભદલી વાક્યો, મેઘ માલા… વગેરે બૂકનો અભ્યાસ કરીને પણ વરસાદની આગાહી કરું છું એમાં ખાસ કરીને યાને બૃહત સંહિતા અને ભદ્ર બાહુ સંહિતા પુસ્તકનો વધારો ઉપયોગ કરું છું. સાથે જ વરસાદના વરતારાના અન્ય અનુભવો પણ મને કામ લાગે છે. ટૂંકમાં દરરોજની ઘટનાને ધ્યાનમાં રાખીને, દરરોજના વાતાવરણને ધ્યાનમાં રાખીને કોઈપણ આગાહી કરતો હોઉ છું.
અંબાલાલ પટેલની સોનેરી સિદ્ધિઓ
આમ તો અંબાલાલ પટેલની આગાહી અને મળતો પ્રેમ જ એમની ખરી સિદ્ધિ છે. સાથે સાથે 2003માં અંબાલાલને UNO એવોર્ડ મળેલો છે. રોટલી ક્લબ તરફથી અનેક સન્માન મળેલા છે. ગુજરાતની વિવિધ સંસ્થા દ્વારા પણ સન્માન મળેલા છે. ગુજરાતના અનેક જિલ્લામાં લેક્ચર આપવા ગયા છે અને અનેક હોલમાં સન્માનિત થયા છે.
અંબાલાલની કાર્ય પ્રણાલી
અંબાલાલ પટેલે નોકરીની શરૂઆત 1972માં ગુજરાત સરકારમાં ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીમાં સુપરવાઈઝર તરીકે કરી. આખા ગુજરાતમાં ફરવાનું અને ખેડૂતોના બીજનું સુપરવાઈજિંગ કરવાનું. બીજનું ગુણવત્તા શું છે, સારી ગુણવત્તા માટે શું કરી શકાય એની સલાહ પણ ખેડૂત ભાઈઓને અંબાલાલ આપતા. ત્યારબાદ 1986માં અંબાલાલ સેક્ટર-15 ગાંધીનગર ખાતે લેબોરેટરીમાં આવ્યા. અહીં તેઓ કેમેસ્ટ્રી વિભાગમાં ખાતર ચકાસણીની લેબોટેરટીમાં ફરજ બજાવતા હતા. ત્યારબાદ 1989-1980માં તેઓનું એગ્રી. ઈન્સપેક્ટરમાંથી એગ્રી. ઓફિસર તરીકે પ્રમોશન થયું. એ રીતે હોદ્દા પર રહીને તેમણે સરકારને સેવા આપવાનું શરૂ રાખ્યું. એ પછી 2004-2005ની આજુબાજુ તેઓ સોઈલ ટેસ્ટિંગ લેબોરેટરીમાં મદદનીશ ખેતી નિમાયક તરીકે જોડાયા. ત્યારબાદ જૈવિક નિયંત્રણ કંટ્રોલ એટલે કે બાયો કન્ટ્રોલ ખાતામાં ફરજ બજાવી અને આખરે 2005માં તેઓ રિટાયર્ડ થઈ ગયા અને હાલમાં ગાંધીનગર ખાતે રહીને પોતાનું જીવન જીવી રહ્યાં છે.
ત્રીજા ભાગમાં આપણે જાણીશું કે અંબાલાલ પટેલની લવ સ્ટોરી કેવી હતી? લવ મેરેજ કર્યા હતા કે અરેન્જ મેરેજ કર્યા ? શું આગાહી કરવામાં એમના ધર્મપત્નીનો કોઈ હાથ કે સપોર્ટ હતો? હાલમાં એમના ધર્મપત્ની હયાત છે કે કેમ? તેમના પરિવારમાં કોણ કોણ છે ? તેઓનો સંઘર્ષ કેવો હતો ? તેમનું લગ્ન જીવન અને અંગત જીવન કેવું હતું ? જેવા અનેક સવાલોના જવાબો આપણે ત્રીજા ભાગમાં વિસ્તૃતથી જાણીશું.. અંબાલાલ પટેલની વિગતે માહિતી જાણવા અને અન્ય મહત્વના સમાચારની દુનિયા સાથે જોડાવા માટે આજે જ લોગઓન કરો www.lokpatrika.in