આજે વડોદરાના એક એવા યુવાન વિશે વાત કરવી છે કે જેના અવાજમાં અને શબ્દોમાં દમ છે. લાખો લોકો એના અવાજને પસંદ કરે છે. વટ્ટની વાત હોય તે ભાઈબંધીની વાત હોય. ભગવાનની વાત હોય કે માતાજીની વાત હોય… દરેક વાતને આ છોકરો એટલી જોરદાર રીતે રાખે છે કે દિલ સોંસરવી ઉતરી જાય છે. આ છોકરાના વીડિયો તમે ક્યાંકને ક્યાંક સોશિયલ મીડિયા પર જોયા જ હશે. એમનું નામ એટલે કૃણાલ ગોહિલ. ઈન્સ્ટા અને યુટ્યુબ પર એટલો ફેમસ છે કે યુવાનોમાં ક્રેઝ કંઈક હટકે છે. 2 લાખ 82 હજાર લોકો ઈન્સ્ટામાં અને 11 હજારથી વધારે લોકો કૃણાલને યુટ્યુબ પર ફોલો કરી રહ્યા છે. તો આવો જાણીએ કે કઈ રીતે કૃણાલ પ્રખ્યાત થયો, વીડિયો બનાવવાની પ્રેરણા ક્યાંથી મળે છે અને આટલા ધારદાર શબ્દોનું સર્જન કેવી રીતે કરે છે.
કૃણાલની ઉંમર ખાલી 24 વર્ષની છે અને વડોદરા તે રહે છે. પિતાની સાથે હાર્ડવેરની શોપમાં કામ કરે છે. એમના ભણતર વિશે વાત કરીએ તો સિવિલ એન્જીનિયરમાં અભ્યાસ કર્યો છે. શરૂઆત કઈક એવી રીતે કરી કે યુટ્યુબ પર 2015માં ટેલેન્ડેટ લફંગે નામની ચેનલ બનાવી અને વીડિયો અપલોડ કરવાનું શરૂ કર્યું. અલગ અલગ ટેલેન્ડ રજૂ કરીને લોકોના દિલ જીત્યા. એક વર્ષ સુધી આ ચેનલ ચલાવી જેમાં 4000 સબસક્રાઈબર પણ થઈ ગયા હતા. દોઢ વર્ષ પછી ચેનલ બંધ કરી દીધી અને એક પોતાની પોતાની ચેનલ શરૂ કરી kunnu નામથી. પછી 2016માં ટિકટોક પર એન્ટ્રી મારી. ત્યારે તેના 11 હજાર જ ફોલોઅર્સ હતા પછી ઘીરે ધીરે વધ્યા. પરંતુ ટિકટોક વધારે સમય ન ચાલ્યું અને બંધ થઈ ગયું.
હવે વર્ષ હતું 2019નું અને કૃણાલે ઈન્સ્ટા પર ધમાકેદાર એન્ટ્રી કરી. જો કે વીડિયો શરૂઆતમાં ખુબ ઓછા જોવાતા. પહેલો વીડિયો તો 1000 લોકોએ જ જોયો હતો. 1200 ફોલોઅર્સ હતા. કૃણાલ એ સમયની વાત કરતાં જણાવે છે કે ત્યારે 2019માં જ્યારે શરૂ કર્યું ત્યારે રોજ એક એક વીડિયો અપલોડ કરતો અને ડાયલોગ પર બનાવતો. જે મે ક્યાંય વાંચ્યુ હોય અથવા તો સાંભળ્યું હોય, એ પછી ગુજરાતીમાં હોય કે હિન્દીમાં, મને ગમતું એના પર વીડિયો બનાવતો. પછી લોકોનો રિસપોન્સ સારો મળ્યો એટલે ધીરે ધીરે પોતાના અવાજમાં અને પોતાના લખેલા શબ્દોમાં મે વીડિયો બનાવવાનું શરૂ કર્યું. મેલડી માતાના ડાયલોગ અને ભાઈબંધીના વીડિયોમાં મને ખુબ સારો રિસપોન્સ મળ્યો અને આત્મવિશ્વાસ પણ વધ્યો.
કૃણાલ આગળ જણાવે છે કે લોકો સુધી જેમ જેમ મારો વીડિયો પહોંચ્યો મને આનંદ થતો, એક નવી પ્રેરણા મળતી કે લોકોને શું ગમે છે અને શું નથી ગમતું. પછી મે દિવસના ચાર-પાંચ વીડિયો બનાવવાનું શરૂ કર્યું. આ રીતે ધીરે ધીરે મારા દરેક વીડિયો બધી જગ્યાએ વાયરલ થવા લાગ્યા. પછી દિવસની એક-બે રિલ બનાવી. પરંતુ મેલડી માતાનો વીડિયો ભારે વાયરલ થયો અને હું વધારે પ્રખ્યાત થયો. પછી તો હું અલગ અલગ બધા માતાજી અને ભગવાન પર વીડિયો બનાવતો થયો. ભાઈબંધી વાળા ડાયલોગ હું જાતે લખું છું અને મારા અનોખા અંદાજમાં જ લોકો સુધી પહોંચાડુ છું. ખુશીની વાત એ છે કે લોકો મને ચાહે છે. એનાથી વિશેષ મારા માટે બીજું શું હોય. મેલડી માતાના વીડિયો વિશે કૃણાલે વાત કરી કે ક્યાંક જોયેલા અને વાંચેલા વાક્યો પર હું વીડિયો બનાવતો.
આટલા સરસ અને ધારદાર ડાયલોગના સર્જન વિશે કૃણાલે કહ્યું કે આપણી આજુબાજુ રોજિંદા જીવનમાં અનેક ઘટના બનતી હોય છે. પ્રેમ હોય કે દગો હોઈ, લાગણી હોય કે સેવા હોય.. આવી અનેક ઘટના અને પ્રસંગ આપણી આજુબાજુ બનતા જ રહે છે. ઘટના અને પબ્લિકને રિલેડેટ કે જે લોકોને જોવા ગમે એ વાતનું ધ્યાન રાખીને હું કંઈક લખું અને પછી વીડિયો બનાવી પબ્લિશ કરું છું. વીડિયોના એડિટીંગ કે માર્કેટિંગ માટે મે કોઈ જ ટીમ નથી રાખી. બધું હું જાતે જ કરું છું, કારણ કે હું મહેનતમા માનું છું. હાલમાં મને ઘમી પ્રમોશન જાહેરાત પણ મળી રહી છે. કૃણાલ પોતાની ઈચ્છા વિશે વાત કરે છે કે ફિલ્મ કે સિરિયલમાં કામ કરવાની તક મળે તો જવાની ઈચ્છા છે.