અમદાવાદની એક એવી મેકઅપ આર્ટિસ્ટ વિશે આજે વાત કરવી છે કે જે ન માત્ર ગુજરાત કે ભારત પણ ઈન્ટરનેશન સુધી ધરોબો ધરાવે છે છતાં તેમનું વ્યક્તિત્વ એકદમ સરળ અને સહજ. ઘણા લોકો સુખના છાંટે હવામાં અધ્ધર તાલે ઉડતા હોય છે, પણ આ યુવતીમાં જરાય એવું નથી. ઈગો નામની કોઈ વસ્તુ જેના જીવનમાં નથી આવી એવી અમદાવાદની મેકઅપ આર્ટિસ્ટ એટલે પુજા ઠાકર. પુજા ઠાકર નામ મળે એટલે બ્યૂટી વર્લ્ડમાં તેમની કોઈ ઓળખ આપવાની જરૂર નથી, ઓળખાણની કોઈ મોહતાજ નથી એવી પુજાની બ્યૂટી ક્ષેત્રે જેટલી પ્રગતિ છે એટલી જ પ્રગતિ સેવાના ક્ષેત્રે પણ છે. જ્યારે તેઓ કોઈ બ્રાન્ડમાં કામ કરતાં ત્યારે એમ થયા કરતું કે કંઈક આવી બ્રાન્ડ મારી પણ હોય, ત્યાં સુધીની સફર ખરેખર છાતી ચીરી નાખે એવા સંઘર્ષ સાથે પસાર થઈ. તો આવો આ સફરની રસપ્રદ યાત્રા કરીએ.
બેન્કમાં આસિસટન્ટ મેનેજર તરીકે નોકરીની શરૂઆત
આ યુવતીની નામ એટલે કે પુજા ઠાકર અને એમનો સ્ટૂડિયો એટલે પૂજા ઠાકર મેકઅપ સ્ટુ઼ડિયો. આમ તો એક 5 વર્ષના સંતાનની માતા પણ દેખાવે એટલી સુંદર અને સુશીલ કે જાણે 21 વર્ષની કન્યા હોય. ન માત્ર બાહ્ય સુંદરતા પણ તેમને સેવાભાવી જીવ પણ એટલો જ નિખરેલ. એજ્યુકેશનમાં પુજાએ બી કોમ અને એબ બી એ કરેલું. જ્યારે ભણવાનું પુરુ થયું ત્યારે બધાની જેમ પુજાએ પણ નોકરી કરવાનું વિચાર્યું અને HDFC બેન્કમાં 3 વર્ષ સુધી આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરી. પરંતુ નોકરી કઈ રીતે થતી હોય અને ત્યાં કેવા કેવા આડંબર હોય એની આપણે સૌ કોઈને સારી રીતે ભાળ છે. જેમ કવિ અનિલ ચાવડા લખે છે કે, હું એને ઘર સુધી નહીં આવવા દઉ કે એક ઉદાસી જે ઓફિસમાંથી બહાર આવી છે. ઓફિસમાં કંઈ કેટલી પ્રતિબંધિતતાના કારણે આપણે ઉદાસ થઈને ઘરે આવતા હોઈએ છીએ. એ જ રીતે પુજાને પણ ઓફિસની ઉદાસી એક નવા જ શિખર પર લઈ જવાની હતી એને કદાચ એને પણ જાણ નહીં હોય.
જીવનમાં કંઈક હટકે કરવાની નેમ
એક તરફ ઓફિસની ઉદાસી અને બીજી તરફ તે જ સમયમાં પુજા ઠાકરની પ્રેગ્નેનન્સી આવી. એક સારા માતા બનવા માટે પુજાએ નિર્ણય લીધો અને નોકરી છોડી દીધી. જેમ માતા વિશે કહેવાય કે પહેલાં તે પરિવારનું વિચારે અને પછી પોતાનું વિચારે એ જ ખરી માતા. તો પુજા પણ ખરી માતા સાબિત થયા અને તેણે જોબને ઠોકર મારી દીધી. કારણ કે આવનારા બાળકનો ઉછેર અને પરિવારનો રખોપો એ જ એમના માટે સૌથી વધારે મહત્વનું હોય એવું પુજાનું સ્પષ્ટપણે માનવું હતું. પરંતુ પુજાને મનમાં કંઈક સવાલો રમતા હતા અને સપના સેવાતા હતા. એ જ સપનાને પુરા કરવા માટે તેઓ વિચારતા હતા કે જીવનમાં કંઈક તો નવું અને હટકે કરવું જ છે કે દુનિયા ઓળખતી રહી જાય અને સાથે જ પ્રેરણા મળે. જ્યારે પુજા ઠાકર નાના હતા ત્યારથી જ તેઓને મેકઅપ અને બ્યૂટી ફિલ્ડમાં કામ કરવાનો અદ્ભૂત શોખ હતો. પરંતુ જે તે સમયે પરિવારની જવાબદારી અને આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બેન્કમાં આસિસટન્ટ તરીકે નોકરી કરવી પડી હતી.
ઈન્ટરનેશન ટ્રેનિંગ
જ્યારે તેઓ નાના હતા ત્યારે માત્ર આ ફિલ્ડનો વિચાર આવ્યા કરતો પરંતુ ક્યારેય આ ફિલ્ડમાં કામ કરીશ અને એ પણ આટલા લેવલે પહોંચશે એવું વિચાર્યું નહોતું. પરંતુ પ્રેગ્નેન્સી પછીનો સમય હતો ત્યારે તેઓએ બ્યૂટી અને મેકઅપ ફિલ્ડમાં પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી. 2017નો આ સમય હતો. જે પણ જગ્યા હોય અને જે પણ શીખવું પડતું હોય એ તમામ વસ્તુ શીખી, ન માત્ર શીખવા ખાતર શીખી પણ એકદમ પ્રોફેશનલ રીતે શીખી. ત્યારથી જ પુજા ઠાકરનો એક મેકઅપની દુનિયામાં નવો જન્મ થયો અને કરિયર શરૂ થયું. પરંતુ ત્યારે તેઓએ એક ફ્રી લાન્ચર તરીકે કામ શરૂ કર્યું. સતત એક વર્ષ સુધી કમાણી પર કોઈ જ ધ્યાન ન આપ્યું અને માત્ર શીખવાની જ ધગશ રાખી. બસ એક જ વિચાર રાત-દિવસ મનમાં ઘુમ્યા કરતો કે મારે આ લેવવમાં આગળ વધવું છે અને આ જ દુનિયામાં મારે મારું ભવિષ્ય બનાવવું છે.
બ્રાન્ડ બનાવવાનું સપનું સેવ્યું
પુજા ઠાકર પોતાના કરિયરની શરૂઆત વિશે વાત કરે છે કે જ્યારે તેઓ અલગ અલગ જગ્યાએ કામ કરવા માટે જતા હતા ત્યારે એક જ વિચાર આવતો કે મારા નામની પણ એક દિવસ બ્રાન્ડ બને. હું જે પાઉડર કે હું જે દાંતિયો કે હું જે મેકઅપ બ્રશનો ઉપયોગ કરું એ કેમ મારી બ્રાન્ડના જ ન હોય. જો કે આજે આખરે એ દિવસ આવી પણ ગયો કે હવે પુજા ઠાકર કોસ્મેટિક નામની બધી જ વસ્તુઓ માર્કેટમાં ઉપલબ્ધ છે. પરંતુ ત્યા સુધી પહોંચવા માટે પુજાએ માત્ર સપના જ નથી જોયા, પરંતુ એમના માટે સંઘર્ષ કર્યો અને આજે સફળતા એમના ચરણ ચૂમી રહી છે. જ્યારે આ એક વર્ષ દરમિયાન તેઓએ કોઈ જ કમાણી પર ધ્યાન ન આપ્યું અને માત્ર શીખવા પર જ ફોકસ કર્યું ત્યાર બાદ તેઓએ દુલ્હન માટે સિઝન શરૂ કરી અને એ રીતે પહેલી બ્રાઈડલ સિઝનની શરૂઆત થઈ.
પહેલી જ સિઝનમાં અપાર સફળતા
પુજા ઠાકરે કામ કરેલું અને શીખેલું જ હોવાના કારણે તેઓને પોતાની જાતને અને પોતાના કામને સાબિત કરવામાં વધારે વાર ન લાગી અને તરત જ તેમનું કામ ગમવા લાગ્યું. પુજાનો હાથ આ કામ કરવામાં પહેલાથી જ વળેલો હોવાથી જ્યાં જ્યાં પણ તેઓએ કામ આપ્યું તેમાં તેઓ સફળ રહ્યા અને કામને લોકોએ ખોબલે ને ખોબલે વખાણી તેમજ વધાવી લીધું. પહેલી જ સિઝનની અપાર સફળતા પાછળનું રાઝ પણ પુજા ઠાકર જણાવે છે કે મે ત્યારે તન મન ધનની કામ કર્યું અને બધી જ વસ્તુઓ હું ઈન્ટરનેશનલ બ્રાન્ડની જ વાપરતી. ક્યારેય દુલ્હનને ઓછું નથી આવવા દીધું અને દુલ્હનનો સંતોષ એ જ એક માત્ર મારું ધ્યેય હતું.
એવોર્ડ અને સન્માન પત્રોનો ઢગલો
જ્યારે પહેલી સિઝનને આટલી સફળતા મળી ત્યારબાદ પુજાનો આત્મવિશ્નાસ પણ વધી ગયો અને તેઓએ ઈન્ટરનેશનલ લેવલની ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું. 2018માં પુજાએ વિશ્વના જાણીતા જાણીતા મેકઅપ આર્ટિસ્ટ સાથે ટ્રેનિંગ લીધી અને પોતાના કામમાં વિશાળ વધારો કર્યો. ત્યારબાદ સિલસિલો આગળ વધતો રહ્યો. 2019માં વિશ્વના પહેલા નંબરના જે હેર આર્ટિસ્ટ છે તેમની પાસેથી ટ્રેનિંગ લીધી અને એ દિશામાં કામ આગળ વધાર્યું. આ રીતે ટ્રેનિંગ લેવાનું શરૂ હતું ત્યારે વચ્ચે વચ્ચે બ્યૂટી અને મેકઅપને રિલેટેડ જે પણ સ્પર્ધા કે એક્સપો આવે એમાં પણ પુજાએ ભાગ લેવાનું શરૂ રાખ્યું. એમાં પણ કોમ્પિટીશનમાં પુજાનો પહેલો નંબર આવ્યો હતો. 2019માં ઓલ ઈન્ડિયા બ્યૂટી શો હતો એમાં પુજાનો પહેલો નંબર આપ્યો હતો અને સમગ્ર અમદાવાદનું નામ રોશન કર્યું હતું. આ રીતે 21019માં જ્યારે પહેલો નંબર આવ્યો ત્યારે આત્મવિશ્નમાં ખુબ જ વધારો થયો. ત્યારબાદ ફરીવાર ટ્રેનિંગ લીધી અને જે પણ કંઈ શીખવાનું બાકી હતું એ શીખી લીધું. તેમજ 2020માં ગ્રિનીશ બૂક ઓફ વર્લ્ડની મેકઅપ હેંગ આઉટ હતા એમાં પણ પુજાએ ભાગ લીધો હતો.
જબરદસ્ત પ્રિ-પ્લાનિંગ
પુજા ઠાકરની સિઝનનો જોરદાર ચાલી જ રહી હતી, ઉપરથી આ રીતે અલગ અલગ સ્પર્ધામાં પણ નંબર આવ્યો, સાથે જ ઈન્ટરનેશનલ ટ્રેનિંગ લીધી… આ બધું જ કામ લોકોને એટલું ગમવા લાગ્યું કે લોકો કહેવા લાગ્યા કે મેડમ અમને શીખવાડો. ત્યારે હજુ પુજા ઠાકર પોતાના ક્લાસિસ નહોતા ચલાવતા, માત્ર કામ કરવા જ જતા. ત્યારબાદ 2020માં કોરોનાએ એન્ટ્રી લીધી અને લોકોના કામ ધંધા એકદમ ઠપ થઈ ગયા. ત્યારે લોકો પાસે કોઈ કામ પણ નહોતું એટલે પુજાએ આ સમયનો સદ-ઉપયોગ કર્યો અને એકેડમી માટે પ્લેટફોર્મ કઈ રીતે બનાવવું એનું વિચાર્યું અને એ દિશામાં કામ કર્યું. ત્યારબાદ ઓનલાઈન ક્લાસની શરૂઆત કરી.
સેવાભાવી જીવ
સેવાભાવી જીવની વાત કરીએ તો પુજાએ પોતાનો પહેલો જ માસ્ટર ક્લાસ નાના નાના ગામડાંમાં કર્યો અને એ પણ એકદમ ફ્રીમાં. કારણ કે ત્યાંના લોકોમાં શીખવાની ધગશ હોય પણઆર્શિક પરિસ્થિતિના કારણે પ્લેટફોર્મ ન મળતું હોય. તો પુજાએ આવા લોકો વચ્ચે જઈને ક્લાસ કર્યો અને 4000 લોકોને જ્ઞાન આપ્યું. બ્યૂટી ઈન્ડસ્ટ્રીમાં આ ઈવેન્ટ એક ઈતિહાસ હતી. કારણ કે આટલા વર્ષોથી આવું કામ પુજા સિવાય કોઈ આર્ટિસ્ટે નથી કર્યું. આવું કામ કરનાર પુજા પહેલી હોવાથી તેમનામાં પણ શીખવવાનો જે આત્મવિશ્વાસ હોય એ એક લેવલ સુધી આવી ગયો. ત્યારબાદ જેમ જેમ કોવિડ ઓછો થયો એમ એમ પુજાએ ઓફલાઈન ક્લાસ શરુ કર્યો અને ઓનલાઈન પણ શરૂ જ રાખ્યું. હાલમાં પુજા ઠાકરના બધા જ માસ્ટર ક્લાસ શરૂ છે અને તેઓ ઈન્ટરનેશન સર્ટિફાઈ ક્લાસિસ કરાવે છે. હાલમાં પુજાના નામના દરેક કોર્સ ઈન્ટરનેશનલ સર્ટિફાઈ રીતે ચાલી રહ્યા છે.
ગ્રાહકોને સંતોષ એ જ માત્ર લક્ષ્ય
2017માં પુજા ઠાકરે જે સપનું જોયું હતું એ હવે સાકાર થવાનો સમય આવી ગયો હતો. 2021 જાન્યુઆરીનો સમય હતો ત્યારે પુજાએ પહેલી કોસ્મેટિક પ્રોડક્ટ લોન્ચ કરી, જેનું નામ આપ્યું પુજા ઠાકર કોસ્મેટિક. વચ્ચે જે 6 મહિનાનો સમય મળ્યો એમાં કઈ કઈ પ્રોડક્ટ રાખવી એ વિચારી લીધું અને પછી પુજા ઠાકર કોસ્મેટિક બ્રાન્ડના મેકઅપ બ્રશનો શેડ લોન્ચ કર્યો. પછી એક પછી એક અલગ વસ્તુઓ લોન્ચ કરી અને કંપનીનો વિસ્તાર વધતો ગયો. હાલમાં પુજા ઠાકરના બ્રાન્ડની અનેક વસ્તુઓ માર્કેટમાં મળી રહી છે અને ગ્રાહકોને વસ્તુઓથી સંતોષ પણ મળી રહ્યો છે. 2017માં જ્યારથી શરૂઆત કરી ત્યારથી સતત દર વર્ષે પ્રગતિ જ કરી છે અને આજે 4 વર્ષમાં ખુદની એક બ્રાન્ડ લોન્ચ કરી છે. પુજા ઠક્કરનું કામ ન માત્ર સામાન્ય લોકોએ કે ગ્રાહકોએ પણ સાથે સાથે સેલેબ્રિટીએ પણ વખાણ્યું છે. જેમાં જાણીતા નામ પ્રખ્યાત અભિનેત્રી ભક્તિ કુબાવત, સિમરન કોર તેમજ દેશના ગૃહમંત્રી અમિત શાહના સંબંધીને પણ પુજા ઠાકરે તૈયાર કરેલા છે.
શિવ, પુજા અમે વિનાયક
આ સાથે જ પુજા ઠક્કરના પરિવારની વાત કરવામાં આવે તો તેમના પરિવારને શિવ ભગવાન સાથે ઘેરો નાતો છે. શિવ ભગવાનની પુજા ઠાકર ખુબ જ મોટા ભક્ત છે અને જેની ઝાંખી તેમના પરિવારના નામમાં પણ જોવા મળી રહી છે. પુજાના પતિનું નામ વિનાયક છે અને તેમના દિકરાનું નામ શિવ રાખ્યું. સંજોગ પણ એવા કે શિવરાત્રી અને સોમવારના દિવસે જ પુજા ઠાકરના ઘરે દીકરાનો જન્મ થયો અને લોકોએ કહ્યું શિવ આવ્યો શિવ આવ્યો. એ રીતે નામ પણ શિવ રાખી દીધું. એક જ પરિવારમાં પુજા, વિનાયક અને શિવ જોવા મળે છે.
સેમિનાર ક્ષેત્રમાં પણ મોટું નામ
પુજા ઠાકરે આ રીતે ઓનલાઈન અને ઓફલાઈન બન્ને રીતે બ્યુટી ક્ષેત્રે કામ કરેલું છે. પુજા ઠાકરનું સેમિનાર ક્ષેત્રે પણ એટલું જ મોટું નામ છે. અનેક સફળ સેમિનાર પોતાના નામે કર્યા છે. હાલમાં 6 મહિના પહેલાની જ જો વાત કરવામાં આવે તો પુજાએ 8200 લોકો સમક્ષ પોતાનો સેમિનાર આપ્યો હતો. સાથે જ અત્યાર સુધીમાં પુજા ઠાકરના નેજા હેઠળ 7000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ તૈયાર થઈ ચૂક્યા છે. તેમજ દેશ વિદેશમાં વિદ્યાર્થીઓ પુજા પાસેથી બ્યૂટી અને મેકઅપ ક્ષેત્રનું નોલેજ લઈ રહ્યા છે