કળા વિશે એવું કહેવાય છે કે એ એક અદ્ભૂત શક્તિ છે અને જે દેખાતી નથી. કળા આધ્યાત્મિક સંસ્કૃતિનું એક તત્વ છે, વાસ્તવિકતા અને વિશ્વની અનુભૂતિનું વ્યક્તિલક્ષી સર્જનાત્મક પ્રતિબિંબ એટલે કળા, સામાજિક ચેતનાનું એક વિશિષ્ટ સ્વરૂપ એટલે કળા, વિશ્વનું સંવેદનાત્મક જ્ઞાન અને એક લિટમસ પરીક્ષણ લોકોમાં પ્રવર્તતી માનસિકતા એટલે કળા. કળા વિશે અને એમના પ્રકાર વિશે લખીએ એટલું ઓછું. ત્યારે આજે એક આવા જ કળાના માણીગર મહિલા વિશે તમને વાત કરવી છે કે જેમણે પોરબંદથી લઈને આખા ભારતમાં અને વિશ્વમાં પોતાની કળાનો અને ગુજરાતનો ડંકો વગાડ્યો છે. ગાંધી બાપુના ગામના આ મહિલાએ રાત દિવસ મહેનત કરીને કળાનો વિકાસ કર્યો અને હવે એમની કળા વિશ્વની આંખે ચોંટી ગઈ છે. પરિવારમાં બે સંતાનો, ઘરની જવાબદારી પોતાના મહેર સમાજમાં પણ આગવું કાર્ય… જેવા અનેક કામો એકસાથે કરતાં મહિલા એટલે કે સોનલ ઓડેદરા.
એક વ્યક્તિમાં અનેક કળાનો સંગમ
પોરબંદરના પાણે પાણે અખુટ શક્તિઓ પડેલી છે એ આપણે રાષ્ટ્રપિતા ગાંધી બાપુ વખતથી જોતા આવીએ છીએ.અહીંની માટીમાં જ અનેરી તાકાત છે કે જે વિશ્વથી પોરબંદરને અનોખું તારવે છે. ત્યારે હવે વધારે એક સિદ્ધી પોરબંદરના નામે સોનલ ઓડેદરા થકી થઈ છે. સોનલ રણજીત ઓડેદરા એમનું આખું નામ અને પોરબંદરમાં તેઓ રહે છે. તેઓ ઘરને તો સારી રીતે સંભાળે જ છે. પતિ અને બે બાળકો એ પણ એક દીકરો 16 વર્ષનો અને એક દીકરી 8 વર્ષની. પરંતુ ઘરની સાથે સાથે તેઓએ પોતાના શોખને અને કળાને જીવંત રાખી છે. તેમજ વિશ્વ ફલક પર પોતાનું નામ રોશન કર્યું છે. સોનલ એક પ્રોફેશનલ ઈન્ટરનેશનલ આર્ટિસ્ટ છે કે જેણે પોતાના નામે અનેક ઈન્ડિયા રેકોર્ડ અને ઈન્ટરનેશનલ રેકોર્ડ કર્યા છે. ચિત્રકામ એ એમનું મેઈન કામ છે અને પણ સાથે સાથે એક સારા ફોટોગ્રાફર પણ છે. એક વ્યક્તિમાં અનેક કળાનો સંગમ એટલે સોનલ ઓડેદરા એવું કહીએ તો જરાય અતિશ્યોક્તિ ન લાગે. કારણ કે આજની મહિલાઓ ઘર સંભાળીને જ થાકી જાય છે. જ્યારે સોનલે ઘરની સાથે સાથે પોતાની કળાને પણ સંભાળી અને સંવારી છે.
માણસનો શોખ એ જ એમની સાચી ઓળખ
નાનપણમાં જ્યારે શાળાએ જતી ત્યારથી જ સોનલ ચિત્રકામ કરતી. નાની મોટી સ્પર્ધામાં ભાગ લેતી અને નંબર પણ મેળવતી. ત્યારે એમણે એવું કંઈ વિચાર્યું ન હતું કે મોટા થઈને કોઈ પ્રોફેશનલ આર્ટિસ્ટ બનવું પરંતુ અત્યારે સોનલ એક ઈન્ટરનેશન આર્ટિસ્ટ છે અને એ પણ પ્રોફેશનલ. કદાચ એટલે જ સોનલે કોમ્પ્યુટરમાં ડિપ્લોમાં અને યોગમાં ડિપ્લોમાં કરીને પોતાનું ભણતર પુરુ કર્યું. પરંતુ શોખ માણસ પાસે કરાવે એ કોઈ ન કરાવે એ વાક્ય સોનલના કિસ્સામાં સાચુ પડ્યુ. ત્યારબાદ સોનલ અલગ અલગ એક્ઝિબિશનમાં ભાગ લીધો અને ઓનલાઈન વીડિયો જોયા. પોતે જાતે જ અલગ અલગ ચિત્રકામ બનાવે અને ભૂલ હોય એમાંથી શીખે. ઓનલાઈનમાં સ્પર્ધામાં પણ ભાગ લે. ધીરે ધીરે આ કળાએ સોનલને હવે એક પ્રોફેશનલ ઈન્ટરનેશનલ આર્ટિસ્ટ બનાવી દીધી છે. હવે તેઓ પોરબંદરમાં એક સારા આર્ટિસ્ટ તરીકેની છબી ધરાવે છે. તો સાથે સાથે પેઈન્ટિગના વર્કશોપ કરાવે છે. તેમજ તેમણે ફેવિક્વિક કંપનીમાં પણ પ્રોફેશનલ ટીચર્સ કરીકે કામ કર્યું છે. જો કે કોરોના પછી આ કામ છુટી ગયું છે અને હવે તે પોતાની રીતે સમાજમાં કળા પીરસી રહ્યા છે.
પરિવારના ઉજળા સંસ્કાર
પરિવાર અને કળાને સારી રીતે ઉજાગર કરતી સોનલનું પ્રભૂત્વ પોતાના સમાજમાં પણ અનેરું છે. મહેર આર્ટ પરિવારમાં પોતે ઉપ પ્રમુખ છે. તો સાથે સાથે મહેર સમાજમાં સોશિયલ વર્કમાં પણ મોટું નામ છે. સમાજની પ્રગતિ અને વિકાસમાં પણ પોતાનો એક આગવો મત રાખે છે. સોનલ જણાવે છે કે સેવા કરવામાં ગુણ મને પપ્પા તરફથી મળ્યા છે. પપ્પા રામભાઈ કેશવાલા અને દાદા પણ સમાજમાં એક અગ્રણી હતા. પપ્પા અને દાદા એ સમયે ખુબ સેવા કરી હતી. દાદા વિશે વાત કરતાં સોનલ જણાવે છે કે તેઓના દાદા ફ્રિડમ ફાઈટર હતા અને સ્વાતંત્ર્ય સેનાની સાથે પણ કામ કર્યું છે.
એક સફરથી બીજી સફરનો મુકામ
સોનલ ઓડેદરા હવે આર્ટિસ્ટમાં એક મોટું નામ બનીને ઉભરી આવ્યું છે. પેઈન્ટિંગમાં તેઓ છેલ્લા 8 વર્ષથી પ્રોફેશનલ રીતે જોડાયેલા છે. આમ તો નાનપણથી જ પેઈન્ટિંગમાં રાજ્ય લેવલની સ્પર્ધામાં ભાગ લીધો અને અનેક મેડેલો પણ મેળવ્યા છે. પેઈન્ટિગની કળા સોનલે સીનીયર આર્ટિસ્ટ અને વર્કશોપમાં અને પોતાની જાતે શીખ્યા છે. સોનલ પોતે પણ એક્સિબિશન કરે છે અને નવા નવા ચિત્રકારોને સમાજ સામે પ્રદર્શિત કરે છે. પરંતુ હાલમાં સોનલના ફોટોગ્રાફીને જે વર્લ્ડ રેકોર્ડમાં નામના મળી એ એમની સિદ્ધિમાં એક આગવો ઉમેરો કરે છે. એના વિશે વાત કરીએ તો એ સમય હતો ભારત સરકારના હર ઘર તિંગરા અભિયાનનો. આપણે સૌએ ત્યારે આપણા ઘરે દેશની આન બાન શાન સમો તિરંગો લહેરાવ્યો હતો અને દેશનું સન્માન કર્યું હતું. ત્યારે 13 ઓગસ્ટથી સોનલની પણ એક નવી જર્ની શરૂ થઈ હતી. સોનલ ઓડેદરા અને અમનો પરિવાર એ સમયે હરિદ્વાર જવા માટે નીકળ્યા હતા અને આ યાત્રા એમના માટે એક વર્લ્ડ રેકોર્ડ સર્જી નાખશે એવી એમને પણ ખબર નહોતી.
રાત-દિવસ તિરંગાના ફોટો ક્લિક કર્યા
સોનલ આ રેકોર્ડ વિશે વાત કરે છે કે 13 ઓગસ્ટે અમે પોરબંદર ઘરેથી હરિદ્વાર જવા માટે નીકળ્યા હતા. તો જ્યાં પણ રસ્તામાં જોઈએ ત્યાં ભારતનો તિરંગો દેખાય. અંદરથી એક ગર્વની લાગણી અનુભવાતી હતી. ત્યાં જ મારી 8 વર્ષની દીકરીએ મને કહ્યું કે મમ્મી જો કેવો મસ્ત તિરંગો દેખાઈ છે ફોટો ક્લિક કરી લે. બસ ત્યાંથી જ અમારા આ પ્રવાસની શરૂઆત થઈ. પછી પોરબંદરથી લઈને હરિદ્વાર અને મસુરી સુધી મે અલગ અલગ તિરંગાના ફોટો ક્લિક કર્યા. મારી દીકરી મારા ઉત્સાહમાં વધારો કરતી આવતી હતી. 13-14-15 એમ 3 ઓગસ્ટ અમે પ્રવાસ કર્યો. અમે પોરબંદરથી કાર લઈને નીકળ્યા હતા. જયપુર રાત રોકાયા હતા અને ત્યાંથી હરિદ્વાર પહોંચ્યા હતા. ગુજરાત, રાજસ્થાન, દિલ્લી, ઉત્તરાખંડ અને યુપી એમ પાંચ રાજ્યમાં જ્યાં જ્યાં પણ મને લાગ્યું મે તિરંગાનો ફોટો ક્લિક કર્યો. દિવસ રાત હું ફોટો ક્લિક કરતી હતી. મે આ પ્રવાસ દરમિયાન કુલ 2000 જેવા ફોટો ક્લિક કર્યા હતા. છેક મસુરી સુધીના ફોટો મે ક્લિક કર્યા. નાના ઝુંપડાથી માંડીને મોટી બિલ્ડીંગો ઉપર પર તિરંગા લહેરાયા હતા. ભંગાર વહેંચનારા ધંધાર્થીઓથી લઇને પેટ્રોલપંપ સુધીના તમામ ધંધા સ્થળે પણ તિરંગા લહેરાતા હતા. સરકારી ઈમારતોથી લઈને રસ્તા દર્શાવતા બોર્ડ, શાકભાજીની રેકડીઓ પરથી લઈને મોટી મોટી બ્રાન્ડેડ કંપનીઓ પર… એમ દરેક જગ્યાએ મે દિવસ રાત તિરંગાના ફોટો ક્લિક કરવાનું શરૂ રાખ્યું.
પોરબંદરનું નામ વિશ્વમાં રોશન કર્યું
3 દિવસમાં સોનલ ઓડેદરાએ અલગ અલગ 2000 જેટલા ફોટો ક્લિક કર્યા. ત્યારબાદ 15 ઓગસ્ટે બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમને તેઓએ એમની ટર્મ એન્ડ કન્ડિશન પ્રમાણે મેઈલથી 1000 જેટલા ફોટો મોકલ્યા. સાથે જ એમની જે પણ ફોર્મ ભરવાની અને પ્રોસેસ હતી એ પુરી કરી. ત્યારબાદ એક અઠવાડિયા પછી મેસેજ મળ્યો કે સોનલના આ ફોટોને બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ વાત સાંભળતાની સાથે જ પરિવારમાં એક અનેરો ઉત્સાહ છવાઈ ગયો હતો. સોનલ જણાવે છે કે જ્યારે મને આ વાત મળી ત્યારે મારા કરતા તો વધારે મારી દીકરી ખુશ હતી. કારણ કે ફોટો ક્લિક કરતી વખતે પણ એ વારંવાર કહેતી કે મમ્મી આ ફોટો ક્લિક કર, મમ્મી પેલો ફોટો ક્લિક કર…. પરંતુ આજે મારી કળા અને મહેનતને એક અનેરું સ્થાન મળ્યું એ જાણીને આનંદ થયો અને મને આ દિશામાં કામ કરવાનો વધારે વેગ મળશે. મારા પરિવારનું નામ અને પોરબંદરનું નામ રોશન થયું એનું કારણ હું બની એની મને વિશેષ લાગણી છે.
આ રેકોર્ડ બાદ સોનલના અમદાવાદ અને શિમલામાં બે મોટા મોટા પેઈન્ટિગ એક્સિબિશન પણ કર્યા છે. અમદાવાદમાં આ એક્સિબિશન 29 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી હતું તો શિમલામાં આ એક્સિબિશન 25 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી રાખવામાં આવ્યું છે. અમદાવાદમાં કાર્યક્રમને ખુબ સારી સફળતા મળી હતી અને એમના ચિત્રને પણ લોકોએ ખોબલે ને ખોબલે વધાવી સારો પ્રતિસાદ આપ્યો હતો. ગુજરાત રાજ્યની લલિતકલા એકેડમીના નેજા હેઠળ આ કાર્યક્રમો કરવામાં આવે છે. આ સિવાય સોનલની સિદ્ધી વિશે વાત કરીએ તો પેઈન્ટિમાં પણ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. ઘણા ઈન્ડિયા રેકોર્ડ પણ સોનલના નામે નોંધાયા છે. આ સાથે જ કોવિડ સમયમાં સુશાંતને શ્રદ્ધાજંલિ આપવા માટે પણ એક ઓનલાઈન વર્લ્ડ રેકોર્ડમાં સોનલ ભાગ લઈ ચૂકી છે.