જ્યાં સાહિત્યનો અભાવ હોય ત્યાં સત વિચાર ખૂટતા હોય, જ્યાં વાંચનનો અભાવ હોય ત્યાં જ્ઞાનની અપુર્તિ હોય, જ્યાં કેળવણી અધુરી હોય ત્યાં કળા ટોપ ગેરમાં ના જઈ શકે. આ વાતો એટલે લખવી પડે છે કે આજના સાંપ્રત સમયમાં હવે જરૂરી બની ગઈ છે. કળાને ખોટા માર્ગે પ્રદર્શિત કરવામાં આવી રહી છે અને આખું ને આખું યુવાધન જાણે કોઈ ગેરમાર્ગે જતું હોય એવું ધ્યાને પડે છે. ત્યારે આજે રાજકોટના એક એવા જોશીલા યુવાનની વાત કરવી છે કે જેણે અલગ ચિલો ચિતરવાનું શરૂ કર્યું છે. હવે તો એમની સાથે હજારો લોકો પણ જોડાયા છે. 25 વર્ષના આ યુવાનનું નામ એટલે ભાવેશ જનકભાઈ દક્ષિણી.
જો તમને સાહિત્યમાં રસ હોય અને ખાલી વીડિયો જોવાના પણ ગમતા હોય તો આ યુવાનનો પહાડી અવાજ અને દમદાર રજુઆત તમને ક્યાંક હડફેટે ચડી હશે અને ત્યાં જ રોકાઈ જવાનું મન થયું હશે. કારણ કે એમનો અવાજ અને રજુઆત કંઈક અનોખી છે. સાહિત્ય, દુહા, છંદ અને લોકવાર્તા… ભાવેશભાઈ આ ટોપિક પર ખુબ જ ઉંડાણપુર્વક અને સમજણપુર્વક રજુઆત કરવા માટે વખણાઈ છે. આમ તો ભાવેશભાઈ ભણતરની રીતે કોમ્પ્યુટર એન્જિ. કરેલું છે અને હાલમાં પણ તેઓ રાજકોટમાં કમિશન એજન્ટથી પેઢીમાં નોકરી કરી રહ્યા છે. પરંતુ એમનો સાહિત્ય પ્રત્યેનો ઝુકાવ એમને કંઈક અલગ કરવા પ્રેરી રહ્યો છે. નાનપણથી જ દિલમાં જે ઘંટડી વાગી હતી હવે એ લાખો લોકોના દિલ સુધી પ્રસરી ગઈ છે અને હજુ પણ આ ગતિ શરૂ રહેવાની છે.
ભાવેશભાઈ જણાવે છે કે જ્યાને નાનો હતો ત્યારે પિતાજી સાથે કરિયાણાની દુકાને બેસવાનું થતું. પિતાને ભજન અને સાહિત્યનો ખુબ જ શોખ. આખો દિવસ કંઈક ને કંઈક સાંભળતા રહે. એટલે મારી બેઠક પણ દુકાને જ તો હું પણ સાંભળતો. ક્યારેક ક્યારેક ડાયરામાં પણ પિતા લઈ જતા એટલે ત્યાં પણ સ્ટેજ પર કલાકારોને સાંભળવાનું થતું. ત્યારે સાહિત્યમાં મજા આવતી, બસ આનંદ માટે જતો પણ ખબર ન પડતી. એટલે નાનપણથી જ આ આદત જેવું થઈ ગયું હતું. પછી જ્યારે હું કોલેજ કરતો ત્યારે મને વધારે રસ પડ્યો. અમારી કોલેજમાં પણ હાલમાં RJ જય સાકરિયા ડાયરો કરતા. પરંતુ ત્યારબાદ તેઓ RJ બની ગયેલા. એમને હું સાંભળતો અને મને પ્રેરણા મળી. નાના સ્ટેજ પર, કોઈ નાનકડા ફંક્શનમાં અને સમાજના નાના મોટા પોગ્રામમાં હું એન્કરિંગ કરતો પણ કોઈ ખાસ સમજ નહોતી.
આગળ વાત કરતાં ભાવેશભાઈ કહે છે કે જય સાકરિયાને સાંભળીને મને પણ મન થયું કે હું કંઈક કરું. એમનામાંથી પ્રેરણા લઈ મે યુ-ટ્યુબ પર એક વિચારશીલ ડાયરોના નામે ચેનલ શરુ કરી. ફેસબુક પર અને સોશિયલ મીડિયામાં નાના નાના વીડિયો હું મુકતો હતો. પરંતુ પછી એક સિધ્ધાંત અને સરખી રીતે કામ કરવાનું શરૂ કર્યું. જ્યારે ચેનલ શરૂ કરી ત્યારે પણ એટલી સમજ નહોતી. હું જેમ જેમ વીડિયો અપલોડ કરતો ગયો એમ એમ લોકોના પ્રતિભાવ આવ્યા. મને પણ નવું નવું શીખવા માટે પ્રેરણા મળી અને એ વાતનું ભાન થયું કે ખરેખર આ તો વિશાળ વિષય છે. એ રીતે વાંચન તરફ વધારે ઝૂકતો ગયો. કારણ કે મારે કંઈક પીરસવું હશે તો મારે પહેલા તૈયારી તો કરવી જ પડે. એ રીતે અલગ અલગ લેખકો અને વાર્તાકારોને વાંચવા માટે વધારે સમય આપતો ગયો. હાલમાં હું દુહા, છંદ અને લોકવાર્તાઓ મારી આગવી શૈલીમાં રજૂ કરી રહ્યો છું.
25 વર્ષના ભાવેશભાઈ માટે પણ આ બધું સહેલું નહોતું. જીવનમાં અનેક નાના મોટા વળાંકો આવ્યો. કોલેજમાં જ નોકરી મળી જવાથી તેઓ ન્યૂઝમાં એન્કર તરીકે ફરજ બજાવતા. સવારથી બપોરે કોલેજ જવાનું અને પછી નોકરી તેમજ સાંજે ઘરની જવાબદારી. એમાં પણ વળી કોરોના વખતે એમના પિતાશ્રી જનકભાઈનું અવસાન થયું એટલે જિંદગીએ એક નવી પરીક્ષા કરી અને દુખની ઘડી આવી. ભાવેશભાઈ છતાં આ બધા સામે જજૂમ્યા અને લડત આપી. જ્યારે ઘરમાં પારિપારિક બિઝનેસમાં કામ સરખુ સેટ થઈ ગયું એટલે તેઓએ નોકરી મૂકી દીધું અને ફુલ ટાઈમ એ જ કરવાનું વિચાર્યું. હજુ પણ તેઓ એ જ કામ કરે છે.
ભાવેશભાઈ હાલમાં પણ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, પિંગળશિહ, ચારણી સાહિત્ય તરફ ખુબ વાંચન કરી રહ્યા છે. તેઓએ સંગીત અને સાહિત્ય ક્ષેત્રે ક્લાસિસ પણ શરૂ કર્યા હતા. છેલ્લા દોઢ વર્ષથી તેઓ સાહિત્યના વર્તુળમાં ખુબ જ સક્રિય છે અને સખત કામ કરી રહ્યા છે. છેલ્લા 2 મહિનાથી પ્રિયાંશી ધીરુભાઈ શેલડીયા સાથે જુગલબંધીના વીડિયો બનાવી રહ્યા છે અને આ વીડિયો પણ લાખો લોકો જોઈ રહ્યા છે.
ભારતના યુવાનો રાજીના રેડ: SBIમાં 1000થી વધુ નોકરીઓ, 41000 સુધીનો પગાર મળશે, આ રીતે આપી દો ઈન્ટરવ્યુ
ભાવેશબાઈ આજના યુવાનોને સંદેશ આપતા કહે છે કે સાહિત્ય એવું છે કે સમજો અને જીવનમાં ઉતારો. સામાન્ય રીતે લોકો બે વસ્તુ માટે સાહિત્ય તરફ વળતા હોય છે. એક તો આનંદ માટે અમને બીજું કે જીવનમાં ઉતારવા માટે. ત્યારે હું કહુ કે સાહિત્યને ખાલી આનંદ માટે સાંભળવા જાઓ એની સામે કોઈ વાંધો નથી. હજારોથી સંખ્યામાં યુવાનો ડાયરામાં જાય છે, સાંભળે છો, પરંતુ જો સાહિત્યને જીવનમાં ઉતારો તો આપણી પેઢીઓ તરી જાય એટલી તાકાત સાહિત્યમાં રહેલી છે. તમારું વાંચન વધારો કારણ કે પુસ્તક નિર્મળતા આપે છે. જોશ અને જૂનુન આપણે સોશિયલ મીડિયામાં ખુબ બતાવીએ છીએ. ડાયલોગ્સના લીધે ખોટો જુસ્સો ભરાઈ અને એ જુસ્સો પાછળથી નુકસાન કરે છે.
તો યુવાનોને મારે એટલું જ કહેવું છે કે સાહિત્યને સમજીને જીવનમાં ઉતારશો તો ઘણા ગુનાઓ પણ અટકી જશે અને તમારા જીવનમાં નવો જ રંગ પુરાશે એ વાત તો નક્કી જ છે. ભાવેશભાઈ પોતાના ભવિષ્ય વિશે કહે છે કે આ વીડિયો તો હું બનાવવાનું શરૂ જ રાખીશ, પરંતુ સાથે સાથે જ્યાં પોગ્રામ મળે ત્યાં પણ જતો રહીશ.