Social Media and Health: વીતેલા યુગની સાથે આજના સમયની તુલના કરતાં ટૅક્નોલોજીના વિકાસની હરણફાળને સમજી શકાય છે. પરંતુ હાઈપર ટૅક્નોલોજી આવી તો તેની આંગળી પકડીને હાઈપર ટૅન્શન અને માનસિક બીમારીઓ પણ સમાજમાં ઘર કરી ગઈ છે. આજે સ્થિતિ એ છે કે, લગભગ બધા જ લોકો ઉચ્ચ ટૅક્નોલોજીના ઉપયોગથી ચાલતા સોશિયલ મીડિયામાં ચોવીસે કલાક રહેવા લાગ્યા છે. પરિણામે અનેક લોકોને વિવિધ પ્રકારની માનસિક બીમારીઓએ ઘેરી લીધા છે. અનેક લોકોના જીવનમાં સવાર જ સોશિયલ મીડિયાથી પડે છે.
એક સમય હતો કે લોકો સવારના પહોરમાં ઈશ્વર-દર્શન કરતા; આજે રીલ-દર્શન કરે છે! ફેસબુક, ટ્વિટર, ઈ-મેઇલ વગેરેમાં લોકો મહત્તમ સમય વિતાવવા લાગ્યા છે, અને આ બધાની વિપરીત અસર લોકોના દિમાગ પર પડી રહી છે. પરંતુ આશાનું એક કિરણ એ છે કે, નિષ્ણાતોના મતાનુસાર, સોશિયલ મીડિયામાં વિતાવવાના કુલ સમયમાં પણ અડધા કલાકની કપાત કરવાથી ઍંગ્ઝાઇટી અને ડિપ્રેશનનાં લક્ષણો ઘટી શકે છે.
તાજેતરમાં જર્મનીની રૂહર યુનિવર્સિટીના એક એસોસિયેટ પ્રોફેસર જુલિયા બ્રેલોવસ્કિયાએ આ દિશામાં અભ્યાસ-સંશોધન કર્યું. તેમના અભ્યાસમાં જણાયું છે કે, સોશિયલ મીડિયાના ઉપયોગથી માનસિક આરોગ્ય તથા શારીરિક સુખાકારી પર અસર પડે છે. વિવિધ ક્ષેત્રોના 166 લોકોનો આમાં અભ્યાસ કરાયો હતો. આ લોકો દિવસમાં ઓછામાં ઓછી 35 મિનિટ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા. બે ભાગ પાડીને કરાયેલા આ અભ્યાસમાં એક ભાગના લોકોને અડધો કલાક ઘટાડવાનું કહેવામાં આવ્યું અને પછી બંને ભાગના લોકોનો વિવિધ પ્રશ્નોત્તર દ્વારા અભ્યાસ કરાયો.
આ અભ્યાસનાં પરિણામોએ પ્રો. જુલિયા તથા તેમની ટીમને ચોંકાવી દીધાં. માત્ર એક જ અઠવાડિયાના સમય માટે સોશિયલ મીડિયામાં અડધો કલાક કાપ મુકાવાથી પણ વપરાશકારોના જીવનમાં હકારાત્મક પરિણામો આવ્યાં. તેમનું માનસિક આરોગ્ય પહેલાં કરતાં અલગ ને સારું બન્યું.
અભ્યાસ-ટીમના વડા પ્રો. જુલિયા બ્રેલોવસ્કિયાએ જણાવ્યું કે, જેમણે પોતાના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં અડધા કલાકનો કાપ મૂક્યો હતો તેમને તેમની ઑફિસમાં કાર્યબોજ ઘણો ઓછો જણાયો અને પહેલાં કરતાં વધારે સારું પ્રદર્શન તેમણે કર્યું. તેમનામાં ઍંગ્ઝાઇટી અને ડિપ્રેશનનાં લક્ષણો ઘટી જતાં જોવા મળ્યાં.
પ્રોફેસર જુલિયાએ કહ્યું કે, જ્યારે આપણે કશું કામ કરતા હોઈએ ત્યારે તે કામ ઉપરાંત બીજું કામ આપણા મનને ભટકાવતું હોય છે. એકસાથે આ ચીજો પર ધ્યાન આપવાનું આપણા મનને ફાવતું નથી. અધૂરામાં પૂરું, સોશિયલ મીડિયાનો વધારે પડતો ઉપયોગ ભય અને શંકા-કુશંકાની ભાવના પેદા કરે છે.