આંગળા ચાટતા રહી જશો, ઘરે બનાવો પતરાળીનું શાક
દેશભરમાં ધામધૂમ પૂર્વક જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ જન્માષ્ટમીના બીજા દિવસનું પણ ખાસ મહત્વ હોય છે. આ દિવસે ભગવાન માટે જાતજાતના વ્યંજનો બનાવવામાં આવે છે. જન્માષ્ટમીના બીજા દિવસે (નંદ મહોત્સવ કે નોમના પારણાના દિવસે) શ્રી ઠાકોરજીને ભોગ ધરાવાતી એક અત્યંત લોકપ્રિય અને પરંપરાગત વાનગી ચઢાવવામાં આવે છે. જેનું નામ છે પતરાળીનું શાક… આવો જાણીએ કેવી રીતે ઘરે બનાવાય.
સામગ્રી
32 પ્રકારના ઝીણા સમારેલા મિક્સ શાકભાજી અને લીલી ભાજી
બટાકા,સુરણ,શક્કરિયા,ટીંડોળા,ગવાર,બીટ,વાલોર,પાપડી,કારેલા,કંકોડા,ભીંડા,દૂધી,અળવી,પરવર,ચોળી,રતાળું,મરચા,વટાણા, રીંગણ,ગલકા,તુરીયા,તુવેર મૂળા જેવા બધાજ શાક થોડા થોડા લેવા)(ભાજીમાં પાલક,તાંદળજો,સુવા,લુણી, મુળાની ભાજી,અળવીના પાન,બીજી જે પણ ભાજી મળે તે ઉમેરાય)
કિલો પતરાળીનું બધુજ શાક અને ભાજી
2 મોટા ટામેટા
4 મોટા ચમચા તેલ
1 ચમચી વધાર માટે રાઇ,જીરું અનેઅજમો મિક્ષ અડધી
2 ચમચી મરચુંપાવડર
2 ચમચી ધાણાજીરું
સ્વાદાનુસાર મીઠું
50 ગ્રામ કોથમીર
1 ચમચી લીબું
બનાવવાની રીત
– સૌ પ્રથમ આ શાકને બરાબર ઝીણા સમારી લો અને 2-3 વાર ચોખ્ખા પાણીમાં ધોઇ લો.
– હવે એક કુકર માં શાક-ભાજી અને થોડું મીઠું નાખી બાફી લો.
– એક મોટી કડાઈમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઇ,જીરું અને અજમો નાખો એ તતડી જાય એટલે તેમાં સમારેલા ટામેટા સાંતળી લો.
– ટામેટા સંતળાઇ જાય એટલે એક ચમચી મરચું નાખી બાફેલું શાક ઉમેરો.
– તેમાં બાકી રહેલું મરચું,ધાણાજીરું અને થોડું મીઠું નાખી બરાબર શાકને મિક્ષ કરી લો.
– મીઠું શાક બાફવામાં નાખેલું છે માટે સાતળવામાં મીઠું ધ્યાન રાખી નાખવું.
– ગેસ બંધ કરી ઉપર કોથમીર ભભરાવવી. શાકમાં લીબું નીચોવી લો.
– તૈયાર છે સ્વાદિષ્ટ પતરાળીનું શાક..

