મારુ ઘર: આજે સવાર થી જ ઉત્સાહિત હતી હું….ઘણા દિવસે આજે પિયર જવા નો મોકો મળ્યો એ વાત નો હરખ મારા ચહેરા પર પણ જોઇ શકાતો હતો….આમ તો સાસરી માં શાંતિ હતી એટલે સાસરી થી થોડા દિવસ છુટકારો મળશે એવો કોઈ વિચાર આવી નહોતો રહ્યો….પણ એ ઘર કોને ન ગમે જ્યાં આપણું બાળપણ વીત્યું હોય?…….જ્યાં કઈ કેટલાય સંભારણા ના ભાતા ભર્યા હોય??……..સમાજ ની રિત પ્રમાણે પરણી ને આવી હતી હું મારું એ ઘર પાછળ મૂકી ને….હવે જો ક્યારેક મારા એ ઘરે જવાનો મોકો મળે તો આનંદની છોળો ઉછળે જ એ સ્વાભાવિક હતું.
હું તૈયાર થઈ ને સાસુ સસરા ને જય શ્રી કૃષ્ણ કહી નીકળી ગઈ મારા પિયર ના એ ઘર તરફ…..એક જ શહેર માં સાસરી ને પિયર એટલે મને ત્યાં પહોંચતા વાર ન લાગી…રિક્ષામાંથી હું સોસાયટી ના નાકે ઉતરી….અને શરૂ થઈ ગઈ મારી બાળપણ ની એ ફિલ્મ જે મેં આ ગલીઓ માં જ પસાર કરી હતી….હરખઘેલી હું એકલી એકલી ચાલતી ઘર સુધી પહોંચી…મારા આવવાની જાણ મમ્મી પપ્પા ને અગાઉ થી કરી દીધેલી એટલે મારી મમ્મી મારા સ્વાગત માં બહાર જ ઉભી હતી….હું દોડતી એને જઇને વળગી પડી….હું બાળપણથી જ આવી હતી…ક્યાંક ગઈ હોય ને પાછી વળું એટલે મમ્મી ને બાજી પડું…નાની હતી ત્યારે મમ્મી મને મારા એ ગાંડપણ બદલ ખિજાતી.. પણ આજે એને મને બમણા ઉમળકા થી વધાવી.. મારા હાથ માનો થેલો એને લઈ લીધો.
ઘર માં પ્રવેશતા જ પપ્પા પણ જાણે મારી જ રાહ જોઇને બેઠા હોય એમ મને જોઈ ખુશ ખુશ થઈ ગયા..મમ્મી મારો થેલો અંદર ના રૂમ માં મૂકી આવી….હું પપ્પા ની પાસે ગોઠવાઈ ગયી…લગ્ન પહેલા ના એ દિવસો માં હું આમ ક્યારેય પપ્પા ની બાજુ માં અમસ્તા જ નહોતી બેસી શકતી એ વાત મનોમન યાદ આવી ગઈ…..મેં ઘર ની દીવાલો તરફ નજર કરી અને એક ઊંડો શ્વાસ લઈ જાણે મારા એ ઘર ની સુવાસ ને મારા માં ભરી લીધી…થોડીવાર માં મમ્મી પાણી નો ગ્લાસ લઈ આવી….હાથ માં ટ્રે અને ટ્રે માં પાણી નો ગ્લાસ જોઈ હું હસી પડી….મેં પાણી નો ગલાસ એક જ ઘૂંટડા માં ગટગટાવી લીધો……લગ્ન પહેલા મારા ઘરે જ્યારે પણ મહેમાન આવતા હું આમ જ ટ્રે માં પાણી નો ગ્લાસ લઈને આવી જતી…મહેમાન ની આગતાસ્વાગતા મને જાણે મમ્મી તરફથી વારસા માં મળી હતી..
“બેટા તું આરામ કર…થાકી ગઈ હોઇશ ને” મમ્મી એ મને કહ્યું
“અરે મમ્મી અહીં નજીક માંથી જ તો આવી છું ને એમાં વળી શેનો થાક” મેં હસતા હસતા મમ્મી ને કહ્યું….
લગ્ન પહેલા જ્યારે કોલેજ કરતી ત્યારે કોલેજ નું અંતર મારા સાસરી ના અંતર કરતા વધુ હતું છતાંય ક્યારેય મમ્મી ના મોઢે આવા શબ્દો સાંભળ્યા નથી એ યાદ આવતા જાણે માર ઘર માં આવેલું પરિવર્તન ડોકાયું….થોડીવાર માં ભાભી બજાર ગયેલા તે પરત ફર્યા….એમના હાથ માં મીઠાઈ નું બોક્સ અને ફરસાણ ની થેલી જોઈ મારા થી પુછાય ગયું
“ભાભી…કોઈ મહેમાન આવવાનું છે કે શું?…”
“અરે ના ના શ્રેયા બેન આ તો તમે આવવાના હતા ને એટલે લઈ આવી”
મારી આવવાની ખુશી દરેક ના ચહેરા પર વરતાઈ રહી હતી અને મને આ બધું ગમ્યું…મારા ભાવતા પેંડા અને સેવ ખમની જોઈ હું એના પર તૂટી પડી….લગ્ન પહેલા જ્યારે કઈ નવું આવતું જ્યારે સૌ માટે સરખા ભાગે રખાતું પણ આજે મને ધરાઈ ને નાસ્તો કરાવી લીધા બાદ…પપ્પા ને નાનકડી ડિસ માં નાસ્તો પીરસાયો…હું પપ્પા ની ડિસ જોઈ રહી….મમ્મી અને ભાભીએ રસોડા માં જ એકાદ બુકડો મારી લીધો….થોડીવાર પપ્પા સાથે ગપ્પા માર્યા બાદ હું રસોડા માં દાખલ થઈ..
“લાવ મમ્મી તને કઈક મદદ કરાવું?…”કહેતા મેં મમ્મી ના હાથ માંથી કુકર લઈ લીધું…
આમતેમ ફાંફાં માર્યા…એકાદ બે કબાટ ખોલી ને જોયું….પણ દાળ ચોખા નો ડબ્બો નજરે ન પડ્યો…મેં મમ્મી ને બૂમ મારી
“દાળ ચોખા ક્યાં છે…મને જડયા નહિ”
“ત્યાં જ ખુણા વાળા કબાટ માં જ તો છે” કહેતી મમ્મી મારી પાસે આવી…
મેં દાળ ચોખા ધોઈ કુકર ચડાવ્યું…..પણ મીઠું નજરે નહોતું ચડી રહ્યું…ફરી મીઠા માટે બૂમ પાડી…
મમ્મી મારી પાસે આવતા બોલી
“એક કામ કર બેટા તું બેસ…..તને નહિ જડે…ખાલી હેરાન થઈશ તું….હું ને તારી ભાભી છે ને બધું સંભાળી લઈશું….”
ને હું રસોડામાંથી ધીમા પગલે બહાર નીકળી…લગ્ન પહેલા મમ્મી હમેશા મને રસોડામાં જ ઉભી રાખતી…કઈ ને કઈ કામ આપી ને મને રસોડામાં કઈક ને કઈક શીખવતી રહેતી એ વાત યાદ આવી ગઈ ને હું સોફા ના એક ખૂણે જઇ ગોઠવાઈ ગઈ…
ભાભી અને મમ્મી એ સરસ મજાની રસોઈ બનાવી લીધી હતી…અમે સૌ જમવા બેઠા…પપ્પા ને ગરમ રોટલી જ જોઈતી એ વાત મને હજી યાદ એટલે હૂં ફરી રસોડા તરફ દોડી….પણ આ શું….ભાભી એ તો રસોડું સાફ કરી નાખ્યું હતું…
“ભાભી…પપ્પા ની ગરમ રોટલી હું કરીશ હહ” મેં હસતા હસતા કહ્યું
“અરે શ્રેયા બેન હવે પપ્પા ગરમ રોટલી નથી લેતા…અમે સૌ સાથે બેસી ને જમી શકીએ એટલે એ પણ અમારી સાથે જ જમી લે છે….ચલો તમે આપણે જમી લઈએ….તમને ભૂખ લાગી હશે ને” કહેતા ભાભી એ બધા ની થાળી પીરસી…
હું ટેબલ પર ગોઠવાઈ..કઈ કેટલીય જાત ની વાનગી પડી હતી ટેબલ પર….પણ મમ્મી અને પપ્પા ની થાળી માં દાળ ભાત શાક રોટલી જ હતા….ભાભી ની થાળી પણ જાણે અધૂરી દેખાતી હતી. મારા થી ન રહેવાયું મેં પૂછી લીધું..
“મમ્મી તે અને પપ્પા એ શ્રીખંડ કેમ ન લીધો….પપ્પા ને તો ખૂબ ભાવે છે ને શ્રીખંડ”
“બેટા હવે અમારી તબિયત પહેલા જેવી નથી રહેતી…એટલે બહાર નું ખાવાનું અમે ટાળીયે છે મારા દીકરા” કહેતા મમ્મીએ કોળિયો મોઢા માં મુક્યો..
“તો પછી આ આટઆટલા પકવાન બનાવવાની શુ જરૂર હતી” મેં વળતો સવાલ કર્યો.
“અરે તું કેટલા દિવસે આવી છે……તો પકવાન તો બનાવવા જ પડે ને “કહેતા મમ્મી એ હસતા હસતા મારી થાળી માં 3 4 વધુ ખમણ પીરસ્યા….જોતા જ મોઢા માં પાણી આવી જાય એવી જાત જાત ની વાનગી થી ભરેલી એ થાળી મારા લગ્ન પહેલા ની મમ્મી ના હાથ ની ફક્ત શાક રોટલી ભરેલી થાળી પાસે સાવ તુચ્છ લાગી….જમ્યા બાદ ના કામ માં પણ જાણે મારી બાદબાકી જ કરાઈ….બપોરે સૌ કોઇ આરામ કરવા પોતપોતાની રૂમ માં ભરાઈ ગયા….ભાભી એ મને એમની રૂમ માં આવી જવા કહ્યું…પણ હું ટીવી જોવાનું બહાનું કરી બહાર હોલ માં જ રહી….ફરી એકવાર મેં ઘર ની દીવાલો પર.
ઘર ના એક એક ખૂણે નજર ફેરવી…કેટલું બદલાઈ ગયું હતું મારુ ઘર…….હું જે ઘર ને મૂકી ને સાસરે ગયેલી….જે ઘર ને મેં મારા હાથે સજાવેલું એ હવે પહેલા જેવું નહોતું રહ્યું..દીવાલ ના કલર ની સાથે બીજું ઘણું બધું પણ બદલાયેલું હતું…જે મેં અનુભવ્યું…વિચારો માં ને વિચારો માં જ ક્યારે મારી આંખ લાગી ગઈ મને ખબર જ ન રહી….જ્યારે આંખ ખુલી તો સૌકોઈ પોતપોતાના કામ માં લાગેલા હતા..ઘડિયાળ માં જોયું તો સાંજ ના 5 વાગી ગયા હતા…અરે આટલું મોડું થઈ ગયું
“મમ્મી તે મને ઉઠાડી કેમ નહિ?”
“અરે બેટા તું શાંતિ થી સૂતી હતી….અને બીજું કામ ય શુ હતું કે તને ઉઠાડું એટલે મેં સુવા દીધી” કહેતા મમ્મી એ મારે માથે હાથ ફેરવ્યો….
હું હાથ મોઢું ધોઈ ફ્રેશ થઈ…પપ્પા ને મારા હાથ ની ચા નો ચસ્કો હતો એટલે મેં પપ્પા માટે ચા બનાવવા રસોડા તરફ પ્રયાણ કર્યું…નસીબજોગે આ વખતે મારે કોઈ વસ્તુ માટે મમ્મી કે ભાભી ને બૂમ ન પાડવી પડી…હું ચા લઈ પપ્પા પાસે ગઈ….ચા નો કપ એમના હાથ માં મૂકી એમની બાજુ માં જ ગોઠવાઈ ગઈ….એમને ચા પીતા હું જોઈ રહી…
“સરસ ચા બનાવી છે બેટા” પપ્પાએ કહ્યું ને હું ઉછળી પડી….કઈક તો છે જે હજી પણ લગ્ન પહેલા જેવું જ છે એ જોઈ હું ખુશી માં નાચી ઉઠી….ત્યારબાદ મમ્મી ને ચા નો કપ ધર્યો…એક ઘૂંટડો પીધો કે તરત મમ્મી ને ભાભી ને બૂમ પાડી
“વહુ બેટા…તારા પપ્પાજી માટે અલગ ચા બનાવી લેજે…..”
“પણ મમ્મી પપ્પા એ તો ચા પી લીધી….ચા સારી નથી બની કે?” હું જાણે કઈ ગતાગમ ન પડતી હોય એમ મમ્મી સામે જોઈ રહી
“અરે ના ના બેટા સરસ ચા બની છે…પણ તારા પપ્પા ને ડાયાબીટીસ આવ્યો ત્યારના આટલી ગળી ચા નથી પીતા…બસ એટલે જ જુદી ચા બનાવવા નું કીધું” મમ્મી એ ખૂબ જ પ્રેમથી જવાબ આપ્યો..
મારુ મન ફરી ચકડોળે ચડ્યું કે પપ્પા ગળી ચા નથી પીતા તો મને કહ્યું કેમ નહિ….નાહક જ ચા ના વખાણ શા માટે કર્યા…સાંજે મમ્મી બીજા મહેમાનો ને લઈ જાય એમ મને પણ નજીક ના સગા ને ઘરે બેસવા લઈ ગઈ……આમ ને આમ 3 દિવસ પસાર થઈ ગયા….પણ મારી મહેમાનગતિ કરવાનું મારા ઘર માં ચાલુ જ રહ્યું….મારા માટે રોજ અવનવી વાનગી બનતી…..મારે કઈ જ કામ નહોતું કરવાનું કારણ હું કદાચ મહેમાન હતી…..હું સાસરે થી મારા ઘરે આવી હતી….પણ મારી રોજ થતી આ મહેમાનગતિ માં મને મારા લગ્ન પહેલા ના ઘરના જરાય દર્શન ન થયા….હું રડી પડી…..રૂમ માં દૂર એક ખુણા માં પડેલા મારા થેલા ને જોઈ હું રડી પડી…..હું પણ તો એક મહેમાન ની જેમ જ આવી હતી એ વાત હવે મને સમજાઈ ગઈ…..હું 3 દિવસ રોકાઈ ચોથા દિવસે સવારે સાસરે જવા તૈયાર થઈ…..
મારા 3 દિવસ ના રોકાણ માં મારા મમ્મી પપ્પા ભાઈ ભાભી એ મને ખુશ રાખવાના અથાગ પ્રયત્ન કર્યા….પણ હું અહીંયા ખુશ થવા નહિ મારુ બાળપણ ….મારી યુવાની જીવવા આવી હતી….જ્યાં માત્ર ખુશી જ નહીં મારા આંસુ પણ સમાયેલા હતા….હદ તો ત્યારે થઈ જ્યારે જતા જતા બધા મને મારી એક એક વસ્તુ રહી નથી જતી એ યાદ કરાવી રહ્યા હતા….આ ઘર આજે મને પહેલીવાર પારકું લાગ્યું….પોતાનું ઘર શોધવા આવેલી હું એક પારકા ઘરે 3 દિવસ વિતાવી પરત ફરી રહી હતી….મને લગ્ન પહેલા મારા ઘરે આવતા મહેમાનો અને મારા માં આજે કઈ ફરક ન લાગ્યો….
હું સાસરે પરત ફરી….મારા અવતાંવેંત સાસુ માઁ બોલી ઉઠ્યા
“લે સારું થયું તું આવી ગઈ…..તારા લગ્ન બાદ રસોડું તને સોંપ્યું છે તો હવે અઘરું લાગે તું ન હોય ત્યારે”
હું હસતા હસતા થેલો રૂમ માં મૂકી રસોડા માં ગઈ.. જમવાના મેનુ માં ખીચડી શાક અને ભાખરી નક્કી હતું એટલે ફટાફટ બનાવી લીધું…દરેક કબાટ દરેક ડ્રોઅર પર નજર ફેરવી લીધી…બધું જ મને જડી જાય એમ જ હતું…..ગરમાગરમ રસોઈ ઘરના દરેક સભ્ય ને ખૂબ જ પ્રેમથી જમાડી હું જમવા બેઠી…..સાવ સાદી થાળી જોઈ મને આજે રોજ કરતા વધુ ભુખ લાગી ગઈ…આવી જ એક સાદી થાળી ની જરૂર મને છેલ્લા 3 દિવસથી હતી…વચ્ચમાં પપ્પાજી ની દવા યાદ આવતા દવા અને પાણી નો ગ્લાસ એમને આપતા જાણે મને બધું જ યાદ છે એની ખુશી થઈ ઉઠી.
બધું કામ આટોપી હું રૂમ માં પડેલા થેલાં માંથી મારા કપડાં કબાટ માં મૂકી રહી હતી…અનાયાસે જ મારી નજર રૂમ ના ખૂણે ખૂણે ફરી વળી….પછી તો મેં આખા ઘર ના ખૂણે ખૂણે જોઈ લીધું….બધું જ મેં મૂક્યું હતું એમ જ હતું….દીવાલ પર ના કલર થી માંડી ને બેડશીટ ની ડિઝાઇન પણ મેં એને સાસુ માઁ એ જાતે પસંદ કરેલી એ જ હતી…કઈ જ નહોતું બદલાયું….આ ઘરમાં આંખ બંધ કરી ને પણ વસ્તુ જડી જશે મને એવો આત્મવિશ્વાસ કેળવાયો….સામે હોલ માં સાસુ સસરા સાથે બેઠેલા મારા પતિદેવ અને એમના એ હસતા ચહેરા જોઈ મેં એક ઊંડો શ્વાસ લીધો…….હૈયામાંથી એક ખુશી સાથે હું બોલી ઉઠી
“મારુ ઘર”
ને હું પેલા ખાલી થેલા નો માળિયા માં ઘા કરી સાસુ સસરા ને પિતદેવ સાથે મારા ઘર માં ગોઠવાઈ ગઈ.