ચૌધરી હેતલ (ક્રિષ્ના): સ્ત્રી શક્તિ (અછાંદસ)
બિચારી બિચારી કહી કહી ન બાંધો રીતરિવાજે
એ જ તો છે જેને અહીં શક્તિસ્વરુપે સૌએ પૂજે,
નથી બિચારી, નથી નઠારી, નથી કંઈ એ અબળા,
એની હિમંતનાં બળે જ તો સૌ પરીવાર સબળા.
કડવા ઘૂટ ગળ્યા જગતના આંખે આંસુનાં દરિયા,
મીઠા ધાવણ ધવરાવી તેણે અંગ અંગને છે સિંચ્યા.
અંગે સુકોમળ, ઋજુ હૈયે લાગણી હિલોળા લેતી,
સમય આવે મજબુત બાવળે મા કાલિકા બનતી.
બસ પ્રેમભર્યા બે મીઠા શબ્દોની ખેવના હૈયે ભરતી,
હૈયે હિત ધરી મીઠાશ સૌના જીવનમાં ઘોળતી.