2001 ના વર્ષ ને ભારત સરકારે ’’મહિલા સ્વશક્તિકરણ” વર્ષ તરીકે જાહેર કર્યું અને સ્વ-શક્તિકરણ ની રાષ્ટ્રીય નિતી પસાર કરવામાં આવી.ભારત સરકાર દ્વારા 8 માર્ચ, 2010 માં નેશનલ મિશન ફોર એમ્પાવરમેંટ ઓફ વુમન ના પાયા નંખાયાં. જેનો હેતુ મહિલાઓ માટે સંકલિત વિકાસ ની પ્રક્રિયા ને વેગ આપવાનો હતો અને છે.”
જો સરકાર સ્ત્રી તરફી આટલો સુગમ અભિગમ ધરાવતી હોય અને દર્શાવતી હોય તો સ્ત્રી એ પણ ખુદના માટે સજ્જ થવું જ રહ્યું.અહી વાત છે સ્ત્રી માં સકારત્મકતા ની. આના માટે દરેક સ્ત્રી ને પોતાનામાં અડગ આત્મવિશ્વાસ, સ્ટ્રોંગ વિલપાવર હોવો અત્યંત જરૂરી છે.
કાર્ય કોઈ પણ હોય…..પછી ભલે અગાઉ ના દિવસે ઘરમાં કોઈ ચડભડ થઈ હોય અને બીજે દિવસે સવારના પહોર માં ઊઠીને તમે ચા બનાવતા હોવ ને તો પેલી નકારાત્મક ઉર્જાને આદું ની સાથે કુટી નાખી,હૈયાના વલોપાત ને ચા ના પાણી માં ઉકાળીને એની બાષ્પ બનાવી દો અને ઉકળતી ચા ની સોડમ ની જેમ તન મન ને નવી ઉર્જા થી તરબતર કરી દો……આ છે સકારાત્મકતા.
આખો દિવસ ઘરના કામ કરી ને જ્યારે તમે થાક્યા હોવ અને દિવસ ઢળ્યાં સમયે તમારી સરખામણી કોઈક મુરજાયેલા ફૂલ સાથે કરે અને તમે એમ વિચારો કે આહા….હવે તો હું પુષ્પ માથી અત્તર બની ને મહેકવાની,તો આ છે સકારાત્મકતા.
કથળી ગયેલી આર્થિક પરિસ્થિતી માં પણ પોતાના હમસફર સાથે પોતાનું માનસિક સંતુલન અતૂટ રાખીને એમને પણ તૂટવા ન દો એ છે સકારાત્મકતા.અભ્યાસ માં પાછળ રહી જતાં બાળકને હૈયા સરસું ચાંપીને,એની પીઠે હાથ પસવારી ને બમણા વેગ થી એને અભ્યાસ ઇચ્છુક બનાવવો એ છે સકારાત્મકતા.
કોર્પોરેટ લેવલે જ્યારે પુરુષ મેજોરિટી વાળાં સેક્ટર માં તમે કાર્યરત છો અને તમને કહેવામાં આવે કે “યુ આર વુમન,ધીસ ઇસ નોટ પોસિબલ ફોર યુ” અને તમે એનો શાબ્દિક વિરોધ કર્યા વિના એ ચેલેન્જ ઉપાડી લઈને એ કામને તમે તમારા બેસ્ટ લેવલ થી પોસિબલ બનાવી બતાઓ એ છે સકારાત્મકતા.
આમ તો દરેક સ્ત્રી જન્મજાત જ સહનશીલ અને સકારત્મક હોય જ છે,છતાંય એ ગુણ ને પોતાનામાં ટકાવી રાખવો ઘણો જ જરૂરી છે.જો પુરુષ ઘર નો મોભ છે તો સ્ત્રી એ ઘર ના પાયામાં રહેલી એક એવી ઈંટ છે જેના પર દરેક સુસંસ્કૃત ઘર નું માળખું,આખો મહેલ રચાયેલો હોય છે.એ ઘર ના ચણતર માં એની ચાહત હોય છે,એ સિમેન્ટ માં એની મૂક વેદનાઓના સીસકારા હોય છે,ઘણી ચણાતી દીવાલો માં વપરાયેલા પાણી માં એના ન દેખી શકાતા આંસુઓ હોય છે,એની રેતી માં ઘરના કામકાજ કરતાં કરતાં નંદવાઈ ગયેલી એની બંગળીઓના રણકાર હોય છે,અને છતાં પણ એ નિર્માણ પામેલા આખા ઘર નો કણ કણ હસતો હોય છે ને ત્યાં દેખાય છે સ્ત્રી ની સકારાત્મકતા.
એક સ્ત્રી હોવાના નાતે હું મારી દરેક સ્ત્રી મિત્રોને,મારી દીકરીઓને,મારી વડીલ માં સમાન સ્ન્નારીઓને,દરેકેદરેક સ્ત્રી-શક્તિ ને કહેવા માંગીશ કે આટલું તમારી જાત ને કાયમ યાદ અપાવતા રહો કે…………
લાગણી એ પંપાળો તો લહેરાઈ ઉઠનારી સ્ત્રી છુ હું.
ધૂત્કારો તો વાઘણ ની જેમ વીફરાઈ ઉઠનારી સ્ત્રી છુ હું,
લાખ તોડવા મથો તોયે ન તૂટે કદી એ સ્ત્રી છુ હું.
હડસેલે એને હડસેલનારી,સમજદારીને સ્વીકારનારી,
વૈચારિક આક્રમક્તા થી ભરપૂર,નકારાત્મકતાઓ થી કોસો દૂર,
સકારાત્મકતા ને હંમેશા સાથે લઈને ચાલનારી સ્ત્રી છુ હું………..
પછી જુઓ તમે……તમને વધુ ને વધુ સકારાત્મક થતાં દુનિયાની કોઈ જ તાકાત નહીં રોકી શકે.
ફ્રોમ : હેતલ જાની,”હેત” (આણંદ)
સ્ત્રીમાં સકારાત્મકતા-હેતલ જાની,”હેત”
