આજકાલ વૈશ્વિક મંદી ચાલી રહી છે. ઓછી વસ્તી અને ભૌગોલિક કુદરતી સંપત્તિની રીતે સમૃદ્ધ કહેવાતા દેશો કોરોનાકાળ અને પછી તરત જ ત્રીજા વિશ્વયુદ્ધની આશંકાએ મંદીમાં સપડાઈ ગયા છે. આવા વૈશ્વિકમંદી જેવા ખરાબ સમયમાં ભારતના અર્થતંત્રનો વાળ પણ વાંકો થયો નથી. આ જોઈને ઘણા વિશ્લેષકો અને દુનિયાના ઘણા દેશોને ૪૪૦ વોલ્ટ નો ઝટકો લાગ્યો છે. એ લોકો મુઝવણ માં મુકાઈ ગયા છે કે આર્થિક રીતે ભારતના નાગરિકોની માથાદીઠ આવક બહું જ ઓછી છે. ૧૩૫ કરોડ વસ્તીનો બોજો છે.
રોજગારી અને ભૂખમરો ભારતના અર્થતંત્ર માટે મોટા પ્રશ્નો છે છતાંય કેમ હજી સુધી ભારતમાં મંદીના કોઈ વર્તારા ય નથી દેખાતા? અધુરામાં ભારતનો જીડીપી સુધરતો જાય છે. શું રહસ્ય છે એનું?? તો એક લેખક તરીકે હું આ રહસ્ય છતું કરી રહ્યો છું. ભારત એ સાંસ્કૃતિક દેશ છે. તહેવારોનો દેશ છે. જેટલી સંસ્કૃતિઓ છે એટલા જ ધર્મો છે, એટલા જ રીતરીવાજો છે અને એટલા જ તહેવારો છે એમાંય અલગ અલગ પ્રદેશોમાં તહેવારો અને રીવાજોમાં પણ વિભિન્નતા છે.
આપણા અર્થતંત્રની મજબુતાઈ ની નું પ્રાથમિક કારણ જ તહેવારો છે. ઉદાહરણ દીવાળી નું લઈએ તો ફટાકડા વાળા, પેકીન્ગ વાળા, બેનરવાળા, તોરણવાળા, ફૂલવાળા, મીઠાઈ વાળા, લાઈટવાળા , કલરકામ કરવા વાળા, દીવા માટે કુંભાર, ફરસાણવાળા બધાને કામ મળવાનું ચાલું થાય છે. એ સિવાય સોસાયટીના કામવાળા, સિક્યોરિટી વાળા, સાફસફાઈ વાળા, ગામના વાળંદ, પંડીત જેવા કેટલાય પોતાની હાથ નીચે કામ કરતા માણસોને બોનસ કે બોની તહેવારો કે પ્રસંગો દરમ્યાન આપવામાં આવે છે. દેશવ્યાપી અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ધર્મ ના નિયમોને લીધે, અલગ અલગ સંસ્કૃતિના રીવાજો ને લીધે અર્થતંત્રમાં મોટું ચક્ર ચાલે છે. જે બધા લોકોનું અને સાથે સાથે દેશના અર્થતંત્રનું આર્થિક રીતે બેલેન્સ કરે છે. આ દિશામાં તમે તમારી વિચારશક્તિ મુજબ ઉંડાણપૂર્વક વિચારી શકો છો.
મારી વાંચકો ને નમ્ર વિનંતી કે સંસ્કૃતિનું જતન કરીએ અને તહેવારોની બેફીકર બનીને ઉજવણી કરીએ.