આપણે બધાએ લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે આ ડીગ્રી ના કરાય ને પેલી ડીગ્રી ના કરાય. ફલાણું ના ભણાય ને ઢીંકણું ના ભણાય. એટલે આમાં કેવું હોય કે આપણે જે કાંઈ પણ ભણ્યા હોઈએ એનાથી આપણને જે જોઈએ એ ન મળે ત્યારે આવું જ થાય. હવે સામે આપણો કોઈ ભાઈબંધ હોય હોય એને કદાચ એના ક્ષેત્રમાં કાંઈક થોડું ઘણું સારું કરી લીધું હોય ત્યારે આપણને એમ જ થાય કે યાર આના કરતા આના જેવું કરી લીધું હોત ને તો હું પણ આની જેમ જીવતો હોત. થાય જ. એ સ્વાભાવિક છે.
આવા સમયે આપણે MBA કર્યું હોય તો એમ જ થાય કે અલ્યા MBA તો ક્યાંય કરાતું હશે. એન્જિનિયરીંગ કર્યું હોય તો એમ થાય કે અલ્યા એન્જિનિયરીંગ તો ક્યાંય કરાતું હશે. ભાઈલા સારું કે તું મગજના ડૉક્ટરનું નથી ભણ્યો નહીંતર એને ય એમજ કહેતો હોત કે મગજના ડૉક્ટરનું ક્યાંય ભણાતું હશે. તો જો તમે લાંબુ વિચારશો તો એમ જ લાગશે કે જે માણસ સામે ભટકાય એવી બધી જ પરિસ્થિતિમાં ટકી જવાનું સામર્થ્ય ધરાવતો હોય એ જ માણસ બહુ લાંબી પ્રગતિ કરી શકે.
આની માટે જરૂર પડે તો કચરો વાળવાની ય આપણી તૈયારી હોવી જોઈએ અને એની માટે સાવરણી કિરાણા સ્ટોર્સમાં મળે એવી પણ આપણને ખબર હોવી જોઈએ. પછી મેડીકલ સ્ટોર્સમાં જઈએ સાવરણી ના મંગાય નહીંતર એ પાછા જ કાઢે. કહેવાનો મતલબ એ કે કોઈ પણ કામ પોતાનું જ છે અને પોતાની માટે જ કરી રહ્યા છીએ એવું માનીને કરીએ તો આપણને લાંબા ગાળે સફળતા મળે જ.