અમદાવાદ, દક્ષા રંજન:
ટુકડામાં માની જાજો, અંબર નહીં હું આપું
ફળિયામાં રાજી રેજો, ઉંબર નહીં હું આપું.
છે પ્રેમ જેવું કંઈ તો, વિશ્વાસ રાખવાનો
સંગાથ મારો નહીં તો, પળભર નહીં હું આપું.
જંગ જીતવી જો હોયે, સમશીર ખુદ ઉઠાવો
માધવની જેમ મારું, લશ્કર નહીં હું આપું.
અગ્નિ પરીક્ષા શાને, મારે જ આપવાની ?
બેદાગના ખુલાસા,રીતસર નહીં હું આપું.
કમાડ દીધા વાસી, ઓસરીને ઓરડાના,
બીજો તમોને મોકો, નવતર નહીં હું આપું.
પાષાણમાં ખિલે છે, જો હોય લાગણી તો,
ઉગવાને કોઈ શમણું, સરવર નહીં હું આપું.
ચાહત જો મારી ચાહો, ડુબીને અપનાવો,
છબછબીયા માટે મારો, સાગર નહીં હું આપું…