GSSSBની ગંભીર બેદરકારી: હેલ્પલાઇન નંબર શોભાના ગાંઠિયા સમાન, ઉમેદવારો રામ-ભરોસે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ની “બેદરકારી” અને આળસુ વહીવટનો વધુ એક કડવો અનુભવ રાજ્યના હોનહાર યુવાનો કરી રહ્યા છે. માહિતી વિભાગ અંતર્ગત ‘સિનિયર સબ એડિટર / માહિતી મદદનીશ’ વર્ગ-૩ ની ભરતી પ્રક્રિયા અંતર્ગત ઓનલાઈન ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ ચાલી રહ્યું છે, પરંતુ મંડળના ટેકનિકલ પોર્ટલ પર પડતી કેટલીક મુંઝવણોને લીધે ઉમેદવારો ભારે માનસિક તણાવ અનુભવી રહ્યા છે.
તેમાં વધુ ચોંકાવનારી બાબત તો એ છે કે, અસમંજસમાં મુકાયેલા ઉમેદવારોની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે મંડળના કોઇ અધિકારી કે કર્મચારી પાસે સમય નથી. ‘જવાબદારી’ નામનો શબ્દ જાણે GSSSB ના ડિક્શનરીમાંથી ગાયબ થઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
હેલ્પલાઇન નંબર કે માત્ર ‘શો-પીસ’?
GSSSB ના પોર્ટલ પર ઉમેદવારોની સહાય માટે પોર્ટલ પર તો સંપર્ક નંબરો દર્શાવી દેવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવિકતા તદ્દન વિપરીત છે. ઉમેદવારો જ્યારે મંડળના સંપર્ક નંબર 079-23256330 અને 079-23258916 પર સતત ફોન કરે છે, ત્યારે સામેથી કાં તો કોઈ ફોન ઉપાડવાની તસ્દી પણ લેતું નથી અથવા વાત સાંભળ્યા વિના જ સીધો ફોન કાપી નાખવામાં આવે છે!
જે હેલ્પલાઇન સેવા ઉમેદવારોને માર્ગદર્શન આપવા માટે છે, તે જ હેલ્પલાઇન અત્યારે ઉમેદવારો માટે ‘બ્લડ પ્રેશર વધારવાનું’ સાધન બની ગઈ છે. સરકારી તંત્રનું આ પ્રકારનું ઉદ્ધત અને બિનજવાબદાર વર્તન સ્પષ્ટ દર્શાવે છે કે તેમને ઉમેદવારોના ભવિષ્યની કોઈ જ પડી નથી.
૪ ઓક્ટોબરની ડેડલાઈન માથે: ઉમેદવારોમાં ફાળ
ઓનલાઈન દસ્તાવેજ અપલોડ કરવા માટેની અંતિમ તારીખ ૪ ઓક્ટોબર અત્યંત નજીક છે. પોર્ટલ પર મુંઝવણને કારણે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં સમસ્યા ઉભી થઈ રહી છે. જો સમયસર અપલોડ નહીં થાય તો ઉમેદવારોની વર્ષોની મહેનત પાણીમાં જવાનો ભય સેવાઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ મંડળ જવાબદારી નેવે મૂકીને સંપૂર્ણપણે સંવેદનહીન અને નિષ્ક્રિય બનીને બેસી રહ્યું છે.














