Pooja Joshi Tips: હાલમાં શિયાળો ચાલી રહ્યો છે અને લોકો ત્વચાનું ખાસ ધ્યાન રાખતા જોવા મળે છે. સાથે સાથે મહિલાઓને વાળની પણ ચિંતા થતી રહે છે. કારણ કે શિયાળામાં વાળ ખરવાના અને ગંદા થવાના પ્રશ્નો વધારે થતા હોય છે. ત્યારે આજે લોંગ હેર માટે આખા ભારતમાં પ્રખ્યાત ગુજ્જુ છોકરી પુજા જોશીએ મહિલાઓ માટે વાળ વધારવા માટે અને વાળ ખરતાં અટકાવવા માટે ટિપ્સ શેર કરી છે. જે દરેક મહિલાઓને ઉપયોગી નીવડશે. તો આવો જાણીએ પુજા જોશીની આ ટિપ્સ…
વાળ વધારવાની ટિપ્સ
-સૌથી પહેલાં તો વાળમાં કોકોનેટ તેલ લગાડવાનું રાખવું જોઈએ. તેલ લગાડવાની ટિપ્સ અંગે પુજા કહે છે કે રાત્રે લગાડીને પાથીમાં આખું કવર કરીને ચોટલો વાળીને સુઈ જવાનું. ખાસ કરીને એક ધ્યાન રાખવાનું કે પાથીને કવર કરવાની છે, જો પાથી એમનેમ રાખશો તો ત્યાં વાળનો ગ્રોથ નહીં થાય. પાથી પર તેલ લગાડીને કવર કરવાથી ત્યાં પણ ગ્રોથ આવવાનું શરૂ થઈ જશે.
– બીજી વાત કે 15 દિવસમાં એક વખત સારી કંપનીનું હેર માસ્ક એ વાળ વધારવા માટે ઉપયોગી થશે.
– 20-25 દિવસમાં એક વખત તેલ નાખવાનું રાખવું પડશે. જે લોકો રેગ્યુલર સ્કુલ કોલેજમાં લગાવે એ સૌથી સારું જ છે. પરંતુ જે મહિલાઓ નથી લગાવતી એેમણે 20 દિવસમાં એક વખત ફરજિયાત તેલ લગાવી જ લેવું.
-લીંબુ અને લીંમડાનું શેમ્પું કે જે કુદરતી છે એ વાળ ધોવામાં વાપરશો તો વાળમાં ઘણો ગ્રોથ રહેશે. માર્કેટમાં ચાલુ કંપનીના શેમ્પુ કરતાં લીંબુ અને લીંમડાનું શેમ્પું તેમજ લીંબડાનો સાબુ વાપરો.
– સ્મેલવાળા તેલ કે જેમાં અલગ-અલગ સ્મેલ આવે છે એ વાળને નુકસાન કરે છે, એટલે બને ત્યાં સુધી એવા કોઈ જ તેલનો ઉપયોગ નહીં કરવાનો.
– માર્કેટમાં આવતી નવી-નવી કંપનીના તેલ ક્યારેય નહીં નાખવાના.
– નાળિયેરનું તેલ એ સૌથી વધારે વિશ્વસનીય અને ફાયદાકરક છે. તેલ નાખીને પાથી વગર ચોટલો વાળવાથી વધારે ફાયદો થશે.
વાળ ખરતા અટકાવવાની ટિપ્સ
-દહીં અને લીંબુ પાણીને પ્રોપર મિક્સ કરીને વાળમાં પાથીએ લગાડશો તો બીજા કોઈ શેમ્પુની જરૂર નહીં પડે. પુજા કહે છે કે શિયાળામાં આ ટિપ્સ ખુબ જ ફાયદો કરાવે છે.
-હંમેશા શેમ્પુ વિશ્વસનીય વાપરવાના, ચાલુ કંપનીમાં અથવા તો સસ્તામાં આવે એ ક્યારેય નહીં વાપરવાના.
-શિયાળામાં ગરમ પાણીથી વાળને નહીં ધોવાના. 80 ટકા ઠંડુ અને 20 ટકા ગરમ હશે તો ચાલશે.
– બની શકે તો રેગ્યુલર હેર માસ્ક લગાવી જ લેવું.
– અઠવાડિયામા બે વાર વાળ ધોવાના રાખવાનું. જો ગંદા થયા તો વધારે ખરશે એટલે ગંદા થાય કે તરત જ વાળને ધોવાનું રાખશો તો ફાયદો થશે.
– કોઈ પણ શેમ્પુ પહેલા પાણીમાં મિક્સ કરવાનું અને પછી જ વાળ પર લગાવવું. જો શેમ્પુ સીધું વાળ પર લગાડશો તો વાળને નુકસાન થશે અને ખરવાનો પણ ભય રહે છે.
– બને ત્યાં સુધી વાળમાં સાબુનો ઉપયોગ નહીં કરવાનો. સાબુથી વાળ વધારે ખરશે અને ખોળો થવાનો પણ ભય રહેશે.
– વાળ ધોઈને તરત જ હેર માસ્ક અને જે કંપનીનું શેમ્પુ વાપરતા હોઈએ એ જ કંપનીનું કન્ડિશનર લગાવવું વધારે સારું રહેશે.