સુર્યાસ્ત નવી સાંજ લઈને આવે છે,
મધુર ગમતુ એ ગીત લઈને આવે છે.
ગમે છે મને સાંજ સૌથી વધુ;
એ પ્રિયતમને સંગાથ લઈને આવે છે.
– કૃષ્ણપ્રિયા
આપણાં ગુજરાતીઓમાં સવાર થતાં જ નાસ્તાથી માંડીને સાંજ સુધીનાં ભોજનની તૈયારીઓ શરૂ થઇ જાય છે.અરે એ તો શું ક્યારેક ક્યારેક તો આગલા દિવસથી જ બીજા દિવસની તૈયારીઓ ચાલતી હોય છે.ખાવા પીવામાં તો આપણો વટ પડવો જોઇએ.ઓહ કહેવું હતું તો સાંજ વિશેને ખાવાપીવામાં ડુબી ગઇ.જો આપણે રહ્યાં ગુજરાતી હરીફરીને ખાવાની વાત પર તો એક વાર આવી જ જઈએ હો..!
સાંજ એ એવું સુંદર ફુલ છે એનાં મૂળ બહાર હોય તો પણ પાણી પીતાં પીતાં એ જ ધોરીયે ઘર સુધી પહોંચે છે. મતલબ કે,સાંજ થતાં મનમાં એક અનેરો ઉત્સાહ જાગે છે. પતી બહાર ઓફિસ પર હોય છતાં આમ સાંજ ઢળીને આમ ફોન લગાવ્યો.સાંજ થતાં જ પત્નીને ફોન કરે જ છે. સાચું ને..!આપણને એમ થાય એવું કેમ?
સવારે જ્યારે પત્નીએ બાય બોલ્યું હોય ત્યારથી માંડીને સાંજ થાય ત્યાં સુધી એને ઘર યાદ નહીં આવતું હોય ? યાદ તો આવતી જ હોય ને મિત્રો…! પરંતુ એ પોતાનાં કામમાં એટલો મગ્ન હોય,એનાં પર આધારિત આખું ઘર હોય,ત્યારે પોતાનાં એ હાથમાં ઘર માટે ખુશીઓ ભરવાં એનું કામે જવું જરૂરી લાગે છે.એટલે જ એ ઘરથી ઓફિસ જતાં રસ્તે પોતાનાં મનનાં ખૂણે ઘરને અડગ વાળીને મુકી દે છે.
પર એ વાળેલું મન સાંજ થતાં ફરી ચંચળ થવા લાગે છે. જાણે સંધ્યાની લાલી પ્રિયતમાની ઓઢણીનો છેડો આભમાં રેલાવતી હોય,એમ એના મોગરાની વેણીની સુગંધ ફેલાવી,પતિને રોજ ઘર સુધી પહોંચાડતી સાંજ મનમાં અદ્ભુત મનોભાવો લઇને આવી જાય છે.
સાંજ થતાં પ્રેમનું મધુર સંગીત મનમાં ગુંજી ઊઠે છે.એ સાંજનું સંગીત સંભળાતાં મનમાં અનેક રાસ ગરબા ઘૂમી ઉઠે છે.આખરે એ હરખાતી હેલી ઘરે પહોંચી જાય છે.ગાડીનું હોર્ન સંભળાતાં જ દરવાજા પાસે દોડેલી પ્રિયતમા પતિનાં હાથમાંથી બધોજ ભાર પોતાના હાથમાં લઈ લે છે.ધરે પહોંચેલા પતિને પાણીનો ગ્લાસ આપતી પ્રિયતમા હળવા સ્મિત સાથે આંખો દિવસનો થાક ઉતારી જાય છે.ભાત ભાતનાં ભોજન સહ મીઠા લીમડાનાં પાન નાખેલી મજેદાર કઢી ને સાથે થાબડ્યો રોટલો ભળી જાય છે.ને એજ મોજે ભોજન પૂર્ણ થઈ જાય છે,ને એ હેલી તો વધારે ચકડોળે ચઢતી જાય છે.
અંતે એ હેલીને થામતો હેતથી માથાં પર હળવો હાથ જ્યારે પ્રિયતમ મુકે છે.ત્યારે પ્રિયતમા બધું જ ભૂલી એનાં શબ્દે શબ્દે ગોઠવાય જાય છે,એકબીજાનાં અંતરને વાંચતું આ મધુર સાંજનું સંગીત દિલમાં પ્રેમ અને લાગણીનો દીવો પ્રગટાવે છે.આખાં દિવસની વાત રાત સમજતી રહે છે,ને મનડાંઓ જીવંત યાદ ભરતાં રહે છે.શિતળ લહેર શ્વાસે ભરાતાં સુખદ વાદળું ધબકી ઉઠે છે. આમ,પથ પર ખુટતા રંગો ભરી,સફરમાં મીઠો સ્વાદ ભરતાં પંખીડાં રોજ કલબલાટ છોડી મધુર સાંજનું સંગીત મનમાં ભરીને સુખની અનુભૂતિ કરે છે.
– કૃષ્ણપ્રિયા