નરેશ કનોડિયાનું નામ એક ગુજરાતી તરીકે કોઈને ન સાંભળ્યું હોય એવું ક્યારેય ન બને, નાના બાળકોથી લઈને શ્વેતકેશી વૃદ્ધો પણ એમના ફેન છે અને એમની ફિલ્મો દિલથી જુએ છે. આજે ભલે નરેશ કનોડિયા આ દુનિયામાં હયાત નથી, પરંતુ તેમના પ્રત્યેનું માન સન્માન જરા સુદ્ધા ઓછું નથી થયું. એમના એક ઈન્ટરવ્યૂનો અંશ યાદ કરીએ તો તેઓએ કહ્યું હતું કે- ‘હું ત્યારે છ મહિનાનો હતો, મારી માતાને ભયંકર તાવ આવ્યો હતો, એ ખાટલામાં હતી, એને ચાર-પાંચ ગોદડાં ઓઢાડ્યાં હતાં. હું ત્યારે ગોદડાંમાં હતો, હું મારી માને ધાવતો હતો. પણ મને નહોતી ખબર કે હું જેને ધાવી રહ્યો છું એ હવે આ દુનિયામાં નથી. ઘરે-ઘરે કચરો વીણવાથી લઈને ગુજરાતી ફિલ્મોના સુપર-સ્ટાર બનવાની નરેશ કનોડિયાની આ કહાણી ખુબ અદ્ભૂત છે. પરંતુ આજે અમે તમને મળાવશું જુનિયર નરેશ કનોડિયા સાથે. જેનું નામ ઠે લલિત મંડલી. લલિત માટે નરેશ કનોડિયા ભગવાન સમાન છે અને નરેશના લીધે જ દુનિયા લલિતે ઓળખે છે. લલિતની અદા અને અદાકારી અદ્દલ સ્વ. નરેશ કનોડિયા જેવી જ છે. તો આવો વાત કરીએ લલિત મંડલી વિશે…
ગારમેન્ટના કામ સાથે અભિનય ખીલ્યો
અમદાવાદમાં રહેતો 28 વર્ષનો આ જુવાન એટલે કે આપણો જુનિયર નરેશ કનોડિયા લલિત મંડલી. તેનું મુળ ગામ સુરેન્દ્રનગરના લખતર પાસે આવેલું સદાદ ગામ. એમનો ફોટો જોઈને તમે નક્કી કરી જ શકશો કે કેટલી કોપી ટું કોપી છે. પરંતુ તેમની અદા સાથે સાથે અદાકારી પણ નરેશ કનોડિયા જેવી જ છે. ભણવા વિશે વાત કરીએ તો લલિતે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. હાલમાં આર્થિક ઉપાર્જન માટે તેઓ ગારમેન્ટ લાઈનમાં કામ કરે છે કે જે પોતાના પિતાનો જ વ્યવસાય છે. માતા-પિતા ગારમેન્ટ લાઈનમાં ડિઝાઈન લાઈનમાં જ કામ કરે છે અને લલિત પણ અદાકારી, અભિનય સાથે સાથે ગારમેન્ટમાં કામ કરી પોતાનું જીવન જીવ રહ્યા છે. જ્યારે તેઓ ભણતા ત્યારે ક્યારેય એવું વિચાર્યું નહોતું કે અભિનયની લાઈનમાં જવું છે, પરંતુ એ પણ હકીકત છે કે ક્યાંક ને ક્યાંક એમની અંદર એ અદાકારી જીવતી હતી અને આજે લલિત સ્ટેજ ધુણાવી રહ્યા છે.
નાના ભાઈની સલાહથી શરૂ થયો નવો ઈતિહાસ
અભિનયની શરૂઆત કંઈક એ રીતે થાય છે કે સૌ માટે ભયંકર એવો કોરોના કાળ ચાલતો હતો એ વખતનો એ સમય હતો. કોરોનામાં બધાની સાથે લલિત મંડલીનું પણ ગારમેન્ટનું કામ બંધ હતું. તો મોટા ભાગનો સમય ઘરમાં જ રહેવાનું થતું અને કંઈક પ્રવૃતિ કરતા રહેવા સિવાય કોઈ રસ્તો નહોતો. એ સમયે ટિકટોક ખુબ ટ્રેન્ડમાં હતું. એટલે લલિત ભાઈ પણ વીડિયો જોતા. પરંતુ ક્યારેય વીડિયો બનાવવાનું વિચાર્યું નહોતું. એવામાં નાના ભાઈએ સલાહ આપી કે લલિત તું પણ સરસ કરી શકે છે કે તો એકાદ વીડિયો બનાવ અને ભાઈની સલાહ માની લલિતે વીડિયો બનાવવ્યો.
10 -12 દિવસમાં એ વીડિયો એવો વાયરલ થયો કે લાખો લોકો એને જોવા લાગ્યા અને લલિત ભાઈનું નામ ચારેકોર ગુંજવા લાગ્યું કે જાણે કોઈ નરેશ કનોડિયા આવી ગયા. લાખો લોકો એકી ટસે વિચારતા હતા કે આ લલિત કોણ છે અને ક્યાંના છે. વીડિયો જોયા બાદ લોકોના રિસપોન્સ પણ આવવા લાગ્યા કે આ તો નરેશ કનોડિયાનો અવતાર છે, લલિતભાઈ તમે નરેશના ગીતો બનાવો, તમે બસ આવા વીડિયો બનાવો, નવી નવી ફિલ્મ બનાવો…. આવા અનેક રિસપોન્સનું પુર આવી ગયું અને લલિત મંડલીને એક નવો જ જોશ મળ્યો અને કામ કરવાની વધારે પ્રેરણા મળી.
પહેલી વખત કાયદેસર હાથ ધ્રુજતા હતા
હાલમાં તો અવાર નવાર આખા ગુજરાતમાં લલિત મંડલી સ્ટેજ પ્રોગ્રામ કરી રહ્યા છે. પરંતુ તેઓ પહેલા પોગ્રામ વિશે વાત કરતા જણાવે છે કે આજથી 7 વર્ષ પહેલાં એમના માસીની દીકરીના લગ્ન હતા, ત્યારે દરેક સગા સંબંધીએ કહ્યું કે એક પરફોર્મન્સ તો લલિતે આપવાનું જ છે. પહેલા તો મે ના પાડી પરંતુ મને બધાએ ખુબ ફોર્સ કરીને કહ્યું અને મે આપ્યું પણ ખરું. જાગ રે માલણ જાગ કે જે ગીત મારું સૌથી ફેવરીટ ગીત છે એ ગીત પર મે પહેલું પરફોર્મન્સ આપ્યું હતું. મારે હાથ કાયદેસર ધ્રુજતો હતો. પરંતુ ત્યારે લોકોને ખુબ જ ગમ્યું અને પછી તો દરેક સગા સબંધીના પોગ્રામ શરૂ થઈ ગયા. જેમ જેમ મારા ગીત અને વીડિયો વારયલ થયા પછી આખા ગુજરાતમાંથી મને સ્ટેજ પોગ્રામ અને ગીતો મળવા લાગ્યા. અત્યાર સુધીમાં મે 8 ગીત કરી નાખ્યા અને સેંકડો સ્ટેજ પોગ્રામ પણ મળી રહ્યા છે. જો કે મોટી વાત એ છે કે લલિત કોઈ ક્લાસિસમાં કે કોઈ વધારાનો સમય આ કામ માટે નથી ફાળવતા. લલિત કહે છે કે મહેશ-નરેશના સંગીતનો જાદુ જ એવો છે કે મને નાચવાનું મન થઈ જાય. હું ક્યારેય અભિનય ક્લાસમાં નથી ગયો કે કોઈ પ્રકારનું રિહર્સ્લ પણ નથી કરતો. બસ ગીત વાગે એટલે મારે નાચવું જ પડે.
કામણગારો કાનુડો… પહેલું ગીત
હવે 3 વર્ષથી અદાકારીની લાઈનમાં લલિત કામ કરી રહ્યા છે અને સ્ટેજ પોગ્રામ પણ આપી રહ્યા છે. ગુજરાતી જગતમાં પણ એમનું ખુબ મોટું નામ થવા લાગ્યું છે. તેઓ સ્ટેજ પોગ્રામની સાથે સાથે યુ-ટ્યુબ પર આલ્બમ ગીત પણ કરે છે. 2020માં એક ગીત તેમનું આવ્યું હતું કે જેમના શબ્દો હતા કામણગારો કાનુડો… જીતુભાઈ જાડેજાએ ફેસબુકમાંથી લલિતભાઈનો કોન્ટેક્ટ કર્યો અને ગીત માટે ઓફર કરી હતી. લલિતભાઈ પોતાના ગીતના પહેલા અનુભવ વિશે કહે છે કે ક્યારેય આ રીતે મોટાપાયે કેમેરા ફેસ કરેલો ન હતો એટલે ડર હતો કે કેવું થશે, લોકોને ગમશે કે કેમ અને હું કરી શકીશ કે કેમ. પરંતુ અંદરથી અભિનય આવતો ગયો અને બધાના સપોર્ટથી એ ગીત સરસ રીતે શુટ થઈ ગયું અને હજારો-લાખો લોકોએ વખાણ્યું તેમજ વધાવ્યું પણ ખરું. ત્યારપછી ક્યારેય ડર લાગ્યો નથી અને અનેક ગીતો મે શુટ કર્યા અને અભિનય કર્યો.
નરેશ કનોડિયા મારા ભગવાન અને ગુરુ
લલિત જણાવે છે કે મને જુનિયર નરેશ કનોડિયા તરીકે લોકો ઓળખતા થયા ત્યારથી જ જીવનમાં નવી રોનક આવી ગઈ છે. એક વર્ષથી સ્ટેજ પોગ્રામ પણ જોરદાર મળી રહ્યા છે. નરેશ કનોડિયા માટે તેમણે એક ગીત પણ લખ્યું . લલિત વાત કરે છે કે નરેશ કનોડિયા મારા માટે ભગવાન અને ગુરુ છે. આજે મને મેગા સ્ટાર અને જુનિયર નરેશ કનોડિયા તરીકે લોકો બોલાવે તો મારું હૈયુ હરખાય છે અને છાતી ગજગજ ફુલે છે. આજે જે પણ કંઈ ઓળખાણ છે એમના લીધે છે અને એમના જેવા દેખાવના કારણે છે. મારી અદા અને અદાકારી નરેશ સર સાથે મેચ થાય એ મારા માટે સૌથી સૌભાગ્યની વાત છે. જ્યારે એમના અવસાનની વાત સાંભળી ત્યારે ફુલ આઘાત લાગ્યો. પહેલાં સમાચાર મળ્યા ત્યારે હું માનવા પણ તૈયાર નહોતો. ઘણા ડાયરેક્ટરને કોલ કરીને પૂછ્યું. જ્યારે બધાએ હા પાડી તો હું કોલ પર જ રડી પડ્યો. હું ધ્રુજવા લાગ્યો કે આ શું થઈ ગયું. પરંતુ ધીરે ધીરે એ વાતને સ્વીકારી લીધી કે હવે નરેશ કનોડિયા નથી રહ્યા.
મહેનત કરતા રહો અને ધીરજ ધરો
લલિતે ગીત અને સ્ટેજ પોગ્રામ કર્યા છે પરંતુ કોઈ ફિલ્મ નથી કરી તે એના વિશે વાત કરે છે કે ફિલ્મ કરવાની ઘણી ઈચ્છા છે. અત્યારે હું મહેનત કરુ છું, ધીરજ રાખું છું. મને આશા છે કે અભિનયનું એક એ લેવલ પણ ધીરે ધીરે આવશે કે મને કોઈ ફિલ્મ મળે અને એ પણ હીટ જાય. આમ તો લલિત થોડો ચાર્જ લઈને સ્ટેજ પોગ્રામ કરી રહ્યા છે. પરંતુ જો કોઈ કાર્યક્રમ ધાર્મિક લાભાર્થે અથવા કોઈ સેવાના કામ હોય જેવી કે અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ, ગૌશાળા તો ફ્રીમાં પણ કામ કરી આવે છે. લલિત લોકોને એક જ સંદેશ આપવા માગે છે કે કુદરત નો ડર રાખવો, જીવનમાં જે થશે એ આપણી મહેનત કે કર્મ મુજબ થશે, ધાર્મિક જીવન જીવવું, બની શકે એટલા લોકોની મદદ કરવી, સેવાકીય પ્રવૃતિઓ કરવી, કોઈપણ પરિસ્થિતિ આવે તો પણ ક્યારેય માણસાઈ ના ભૂલવી અને કોઈનું ખોટું ન કરવું. હું અત્યારે જે કંઈ છું એમાં માતા-પિતા તરફથી મળેલા અણમોલ સંસ્કાર પણ એટલા જ જવાબદાર છે. બસ મહેનત કરતા રહો અને ધીરજ ધરો, બાકી સમય અને નસીબ એનું કામ કરશે એ વાત 100 ટકાની છે.