માઉન્ટ આબુ થીજ્યું: એક જ રાતમાં 5 ડિગ્રી પારો ગગડ્યો, સિઝનમાં પ્રથમ વખત બરફની છારી બાઝી
માઉન્ટ આબુ (દીપક ત્રિપાઠી દ્વારા): શિયાળાની ગુલાબી ઠંડીએ હવે ધીરે-ધીરે પોતાનો અસલ અને આકરો મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની સીધી અસર પશ્ચિમ ભારતના હવામાન પર જોવા મળી રહી છે, જેના પરિણામે લોકો છેલ્લા બે દિવસથી કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ગુજરાતીઓની પહેલી પસંદ અને રાજસ્થાનના એકમાત્ર ગિરિમથક એવા માઉન્ટ આબુમાં શનિવારે સિઝનમાં પ્રથમ વખત બરફની ચાદર પથરાયેલી જોવા મળી હતી.
શનિવારે વહેલી સવારે માઉન્ટ આબુના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો હતો અને લઘુત્તમ તાપમાન સીધું ગગડીને શૂન્ય ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. હાડ થીજવતી ઠંડીના કારણે માઉન્ટ આબુના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું હતું. ખાસ કરીને નક્કી લેક વિસ્તાર, ગુરુશિખર અને ખુલ્લા મેદાનોમાં પાર્ક કરેલા વાહનોની છત અને કાચ પર બરફની પાતળી છારી જામેલી જોવા મળી હતી. આ ઉપરાંત બાગ-બગીચાઓમાં ઘાસ અને ફૂલ-છોડ પર પડેલા ઓસના બિંદુઓ પણ થીજીને બરફમાં પરિવર્તિત થઈ ગયા હતા.
વહેલી સવારે જ્યારે સ્થાનિક લોકો અને પ્રવાસીઓ બહાર નીકળ્યા ત્યારે બરફની સફેદ ચાદર જોઈને રોમાંચિત થઈ ઉઠ્યા હતા. જોકે, ઠંડીનું જોર એટલું વધારે હતું કે લોકોએ ઠંડીથી બચવા માટે ભારે ગરમ વસ્ત્રો, સ્વેટર, શાલ અને ટોપીનો સહારો લેવો પડ્યો હતો. ઠેર-ઠેર લોકો તાપણા સળગાવીને ઠંડી ઉડાડતા નજરે પડ્યા હતા, જ્યારે ચાની કીટલીઓ અને ગરમ પીણાની દુકાનો પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા છે, જેની સીધી અસર ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અન્ય ભાગોમાં પણ જોવા મળશે.
એક જ રાતમાં 5 ડિગ્રી તાપમાન ગગડ્યું
હિલ સ્ટેશન માઉન્ટ આબુ સહિત દેશભરના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. માઉન્ટ આબુની વાત કરવામાં આવે તો, શુક્રવારની સરખામણીએ શનિવારે એક જ રાતમાં તાપમાનમાં ૫ ડિગ્રી જેટલો મોટો ઘટાડો નોંધાયો હતો અને પારો સીધો શૂન્ય ડિગ્રી પર આવી ગયો હતો. અચાનક તાપમાન ગગડવાથી લોકો રીતસરના ઠંડીમાં ઠૂંઠવાઈ ગયા હતા.
મિની કાશ્મીર જેવો માહોલ
વીકએન્ડ હોવાથી મોટી સંખ્યામાં ગુજરાતી પ્રવાસીઓ માઉન્ટ આબુ ઉમટી પડ્યા છે. સિઝનની પ્રથમ બરફની છારી અને શૂન્ય ડિગ્રી તાપમાનનો અનુભવ કરીને સહેલાણીઓ ખુશખુશાલ થઈ ગયા હતા. પ્રવાસીઓએ વાહનો પર જામેલા બરફ સાથે સેલ્ફી લઈને અને સોશિયલ મીડિયા પર ફોટા શેર કરીને ‘મિની કાશ્મીર’ જેવા વાતાવરણનો આનંદ માણ્યો હતો.
ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા
માઉન્ટ આબુમાં તાપમાન શૂન્ય ડિગ્રીએ પહોંચતા તેની સીધી અસર સરહદી વિસ્તારો એવા બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં જોવા મળી રહી છે. ઠંડા પવનો ફૂંકાવાને કારણે આગામી ૪૮ કલાકમાં અમદાવાદ, ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડીનો પારો ૨ થી ૩ ડિગ્રી સુધી નીચે ઉતરવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.














