સિદ્ધાર્થ બોડકેએ PIB અમદાવાદના એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે સંભાળ્યો પદભાર
સિદ્ધાર્થ બોડકે, ઇન્ડિયન ઇન્ફોર્મેશન સર્વિસ (IIS), 2008 બેચ, આજે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB), અમદાવાદના એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG) તરીકે જોડાયા છે. બોડકે ઇન્ડિયન ઇન્ફોર્મેશન સર્વિસમાં તેમની કારકિર્દી દરમિયાન જાહેર સંચાર અને મીડિયા સંબંધિત કામગીરીમાં વ્યાપક અનુભવ ધરાવે છે. PIB અમદાવાદમાં જોડાતા પહેલા, તેમણે દૂરદર્શન કેન્દ્ર (DDK), મુંબઈ, PIB, દિલ્હી અને DD ન્યૂઝ, દિલ્હી ખાતે સેવા આપી હતી જ્યાં તેઓ બ્રોડકાસ્ટિંગ, મીડિયા મેનેજમેન્ટ અને જાહેર સંચારના વિવિધ પાસાઓ સાથે સંકળાયેલા હતા.
અપર મહાનિદેશક, પીઆઇબી અમદાવાદ તરીકેનો પદભાર સંભાળતા, બોડકેએ સરકારની નીતિઓ, કાર્યક્રમો અને પહેલો વિશે સમયસર, સચોટ અને વિશ્વસનીય માહિતીનું પ્રસારણ સુનિશ્ચિત કરવા માટે સરકાર, મીડિયા અને લોકો વચ્ચેના સંચારને મજબૂત બનાવવાના મહત્વ પર ભાર મુક્યો હતો.

તેમણે વ્યાવસાયિકતા અને જાહેર સેવાના સર્વોચ્ચ ધોરણો જાળવી રાખીને, ઉભરતા સંચાર પ્લેટફોર્મ્સનો લાભ લેવાની અને સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
PIB અમદાવાદની ટીમે બોડકેનું સ્વાગત કર્યું હતું અને ગુજરાત અને નજીકના વિસ્તારમાં બ્યુરોની મીડિયા પહોંચ અને સંચાર પ્રયાસોને વધુ વધારવા માટે તેમના નેતૃત્વ હેઠળ કામ કરવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.






