જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડાં કરનારા ચેતી જજો, સવાણી હોસ્ટેલની ઘટના બાદ સરકાર એક્શન મોડમાં
સુરતની પી.પી. સવાણી હોસ્ટેલ ખાતે તાજેતરમાં બનેલી ફૂડ પોઈઝનિંગની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. વિદ્યાર્થીઓ અને નાગરિકોના આરોગ્યની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાના કારણે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યભરમાં હોસ્ટેલ અને કેન્ટીનની સઘન તપાસ હાથ ધરવા ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રને તાત્કાલિક સૂચના આપી હતી.
આ સૂચનાના અનુસંધાનમાં ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા તા. 15/09/2026ના રોજ રાજ્યવ્યાપી સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. સાંજે 06:00 વાગ્યા સુધીની કામગીરી મુજબ કુલ 128 હોસ્ટેલ/કેન્ટીનની તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન નીચે મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી:
– કુલ તપાસ કરાયેલ હોસ્ટેલ/કેન્ટીન : 128
– સરકારી હોસ્ટેલ/કેન્ટીન : 25
– અર્ધસરકારી હોસ્ટેલ/કેન્ટીન : 35
– ખાનગી હોસ્ટેલ/કેન્ટીન : 68
– આપવામાં આવેલી ઇમ્પ્રુવમેન્ટ નોટિસ : 38
– લેવામાં આવેલા ખાદ્ય નમૂનાઓ : 11
– ગંભીર અસ્વચ્છતા અને અનહાઇજેનિક પરિસ્થિતિને પગલે સ્વયંભૂ બંધ થયેલ હોસ્ટેલ/કેન્ટીન : 4
તપાસ દરમિયાન જ્યાં સ્વચ્છતા, ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા સંબંધિત ખામીઓ જણાઈ ત્યાં સંચાલકોને જરૂરી સુધારાત્મક પગલાં લેવા ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી હતી. ઉપરાંત, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે 11 નમૂનાઓ પણ લેવામાં આવ્યા છે, જેની વધુ તપાસ અને વિશ્લેષણની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રે જણાવ્યું છે કે રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે તંત્ર સંપૂર્ણપણે કટિબદ્ધ છે. જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનાર, ભેળસેળિયા તેમજ કાયદા વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા અસામાજિક તત્વો સામે આગામી સમયમાં પણ આવી જ સઘન અને કડક કાયદેસરની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા સંબંધિત ધોરણોનું કડક પાલન થાય તેમજ વિદ્યાર્થીઓ અને નાગરિકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખોરાક ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર સતત સતર્ક અને પ્રતિબદ્ધ છે.













